ધોરાજી પાસે અકસ્માતમાં તબીબ, પિતરાઈ ભાઈ-બહેનનાં મૃત્યુ

ધોરાજી પાસે અકસ્માતમાં તબીબ, પિતરાઈ ભાઈ-બહેનનાં મૃત્યુ
તોરણીયા પાસે એસટી બસ અને કાર અથડાયા: બસ કંડક્ટર સહિત 5 ઘાયલ
(ફૂલછાબ ન્યુઝ)
ધોરાજી, તા.8 : ધોરાજી-જૂનાગઢ રોડ પરના તોરણિયાનાં પાટિયા પાસે એસટી બસ અને કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા પાટણવાવની સરકારી હોસ્પિટલના તબીબ તથા ભેસાણના પિતરાઈ ભાઈ-બહેનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યાં હતાં તેમજ એસટી બસના કંડક્ટર સહિત પાંચ વ્યક્તિને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની વિગત એવી છે કે, જૂનાગઢ - જામનગર રૂટની એસટી          બસ ધોરાજી તરફ આવતી હતી ત્યારે ધોરાજીના તોરણિયા ગામનાં પાટિયા પાસે પાટણવાવ સરકારી હોસ્પિટલના તબીબ સુરેશ વડાલિયાની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ગંભીર ઈજા થવાથી ડો.સુરેશ વડાલિયાને પ્રથમ ધોરાજી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તેમજ કારમાં બેઠેલા મૂળ ભેસાણનાં ગળથ ગામની અને હાલમાં મોટીમારડ ગામે હોસ્પિટલમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે પાંચેક માસથી ફરજ બજાવતી સેજલબેન ખીમજીભાઈ વેકરિયા અને પાટણવાવ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં સેજલબેનના પિતરાઈભાઈ ધ્રુવ કારાભાઈ વેકરિયાનાં મૃત્યુ નીપજ્યા હતા.
આ અકસ્માતમાં એસટી બસના કંડક્ટર અનિરુદ્ધસિંહ ચાવડા સહિત પાંચ મુસાફરોને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને અન્ય મુસાફરોને બસની ઈમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતા પોલીસ તથા ધોરાજીના તબીબો દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તબીબ સુરેશ વડાલિયા સહિતના કારમાં જૂનાગઢ જવા નીકળ્યા હતા ત્યારે તોરણિયાનાં પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ત્રણેયના મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવ અંગેની જાણ થતાં મૃતકોના પરિવારજનો તથા આગેવાનો અને તબીબો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer