‘રસી’યા પ્રથમ!

‘રસી’યા પ્રથમ!

રશિયાએ સૌથી પહેલા બનાવી લીધી કોરોનાની રસી: આવતા બુધવારે અધિકૃત નોંધણી

ઓક્ટોબરમાં રશિયામાં સરકારી ખર્ચે રસીકરણ કાર્યક્રમ આરંભી દેવાનો લક્ષ્યાંક

મોસ્કો, તા.7: સમગ્ર વિશ્વમાં કાળોકેર વર્તાવનાર કોરોના વાયરસની રસીનો ઈંતઝાર હવે સમાપ્ત થતો દેખાય છે. રશિયાનાં સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ આજે હાશકારો કરાવનારા સમાચારની ઘોષણા કરતાં કહ્યું છે કે, રશિયાને કોવિડ-19ની રસીનાં પરીક્ષણોમાં સફળતા મળી છે અને હવે ઓક્ટોબર માસમાં રશિયામાં વ્યાપક ધોરણે રસીકરણનું કામ આરંભી દેવામાં આવશે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ રસીકરણ કાર્યક્રમનો તમામ ખર્ચ પણ રશિયાની સરકાર જ ઉઠાવશે. રશિયાનાં નાયબ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે જણાવ્યું હતું કે, 12મી ઓગસ્ટે દુનિયાની આ પહેલી કોરોના વાયરસ રસીની અધિકૃત નોંધણી કરાવવામાં આવશે.

ગ્રિદનેવે કહ્યું હતું કે, અત્યાર રસીનાં અંતિમ તબક્કાનાં પરીક્ષણ ચાલી રહ્યા છે. આ ટ્રાયલ અત્યંત મહત્વપૂર્ણ છે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે તેની ખાસ સાવધાની રાખવાની હોય છે. એકવાર આમાં સફળતા મળી જશે એટલે રશિયામાં સૌથી પહેલા તબીબી વ્યાવસાયિકો અને વરિષ્ઠ નાગરિકોને રસી આપવાની શરૂઆત કરી દેવાશે. આ રસીની અસરકારકતા દેશની જનસંખ્યામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસી જાય પછી આંકવામાં આવશે.

આ પહેલા રશિયાએ કહેલું કે તેની રસીનાં માનવ પરીક્ષણો 100 ટકા સફળ રહ્યા છે. આ વેક્સીનને રશિયાનાં સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રશિયાનાં કહેવા અનુસાર ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ રસી લગાવવામાં આવી હતી તેમનાંમાં સાર્સ-કોવ-2 સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થયેલી જોવા મળી હતી. આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયા હતાં.

રશિયાનાં રક્ષા મંત્રાલયનાં કહેવા અનુસાર સમીક્ષાનાં તારણોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, રસીથી લોકોમાં કોરોના સામે રોગ પ્રતિકારક ક્ષમતા વિકસી છે. કોઈપણ સ્વયંસેવકમાં આ રસીની નકારાત્મક સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી.

રશિયાએ દાવો કર્યો છે કે, તે કોરોના સામેની વૈશ્વિક જંગમાં રસીનાં સંશોધનોમાં અન્ય દેશોની તુલનામાં અનેક માસ આગળ ચાલી રહ્યું છે. ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા પછી હવે રશિયા વેક્સિનની પ્રભાવી ક્ષમતા પારખવા માટે ત્રણ વ્યાપક પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. રશિયાનો ઈરાદો સપ્ટેમ્બર સુધીમાં રસી વિકસાવી લેવાનો હતો અને ઓક્ટોબરમાં તો તે રસીકરણ કાર્યક્રમ શરૂ કરી દેવાનો લક્ષ્યાંક ધરાવતું હતું.

આ દરમિયાન ઈઝરાયલે દાવો કર્યો છે કે તેનાં દ્વારા જાદુઈ અસરવાળી રસી બનાવી લેવામાં આવી છે. તેની હજી માનવ પરીક્ષણો માટેની અનુમતિ મેળવવાની બાકી છે.

 છ વેક્સિનના ટ્રાયલ ત્રીજા તબક્કામાં : WHO

વાશિંગ્ટન, તા. 7: કોરોના વાયરસએ દુનિયાભરમાં કોહરામ મચાવી રાખ્યો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે દુનિયાભરમાં 6 વેક્સીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે. પરંતુ ડબલ્યુએચઓનું એવું પણ કહેવું છે કે હાલ એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે. ડબલ્યુએચઓનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં 6 વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી 3 વેક્સીન ચીનની છે. દુનિયાભરમાં હાલ 165 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેના અલગ-અલગ ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. ડબલ્યુએચઓ મુજબ હાલમાં 26 વેક્સીન એવી છે જેના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

 

ભારત સહિતના દેશોને પ225માં  રસીના ડોઝ આપશે SII

નવી દિલ્હી, તા. 7: કોવિડ-19 સામેની રસીનું ઝડપી ઉત્પાદન થવામાં ઈન્સ્ટિ. ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ને મદદરૂપ થવાને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને 1પ કરોડ ડોલરનું એટ-રિસ્ક ભંડોળ પૂરું પાડવા નિર્ણય કર્યો છે. ઓક્ષફર્ડ યુનિ.-અસ્ટ્રાઝેનેકા અને નોવાવાક્ષે આ રસી વિકસાવી છે. આ નવી સમજુતીના ભાગરૂપે ભારત અને નીચી તથા મધ્યમ આવકવાળા દેશોને, આ રસીના દસ કરોડ ડોઝ, પ્રતિ ડોઝ 3 ડોલર (આશરે રૂ. 22પ)ના ભાવે  ડિલીવર કરવાની જવાબદારી એસએસઆઈની રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer