જામનગરમાં સાધુના સ્વાંગમાં લૂંટ કરતી ત્રિપુટીનો એક સાગરીત ઝડપાયો

 જામનગર-ભાવનગર-મોરબી સહિત અડધો ડઝનથી વધુ સ્થળોએ લૂંટ કર્યાની કબૂલાત
જામનગર તા.7: (ફૂલછાબ ન્યુઝ) જામનગરમાં ગોકુલનગર નજીક સાંઢિયા પુલ પાસેથી એક મહિના પહેલા એક કારખાનેદારને આશીર્વાદ આપવાના બહાને કારમાં સાધુના વેશમાં બેસેલા એક શખસે રૂપિયા દોઢ લાખની કિંમતનો સોનાના ચેન આંચકી લઈને ભાગી છૂટયા હતા તે અંગેની તપાસ એલસીબીની ટીમ દ‰ારા ચલાવવામાં આવી હતી અને તપાસનો દોર ગાંધીનગરના દેહગામ સુધી લંબાવી સાધુના વેશમાં લૂંટ કરનારી ત્રિપુટીમાંથી એક શખસને ઝડપી
લીધો છે.
પકડાયેલી શખસની વધુ પૂછપરછમાં નાગાબાવા ગેંગના ત્રણેય શખસોએ જામનગર-મોરબી- ભાવનગર સહિત અડધો ડઝનથી વધુ સ્થળોએ લૂંટના ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.
જામનગરમાં રહેતા એક કારખાનેદાર તુષારભાઈ વિષ્ણુભાઈ ઠાકર એકાદ માસ પહેલા ગોકુલનગર નજીક સાંઢિયા પુલ પાસેથી સ્કૂટર લઈને પસાર થઈ રહયા હતા તે દરમિયાન એક કારમાં નાગાબાવા સાધુએ તેમને રોકી આશીર્વાદ આપવાના બહાને તેમનો દોઢ લાખની કિંમતનો ચેન ગળામાંથી સેરવી લીધો હતો. બાદમાં સાધુના વેશમાં આવેલી ત્રિપુટી રફુચકકર થઈ ગઈ હતી.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરાઓ અને મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ વગેરે સાધનોની મદદના આધારે તપાસનો દોર ગાંધીનગરના દેહગામ સુધી લંબાવ્યો હતો અને સાધુના સ્વાંગમાં લૂંટ કરનારી ત્રિપુટીમાંથી રણછોડનાથ લાલનાથ ભાટી નામના બાવાજી શખસની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં તેના અન્ય બે સાગરીતો રાજુ નટવરલાલ પરમાર અને કેશવનાથ સમજુનાથ ભટ્ટીના નામો ખુલ્યાં છે.
આ ત્રિપુટીએ જામનગર ઉપરાંત ભાવનગર, મોરબી સહિતના જુદા-જુદા વિસ્તારોમાંથી છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન અડધો ડઝન જેટલી લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer