સુશાંત મૃત્યુ કેસ: રિયા ઈડી સમક્ષ હાજર

સુશાંત મૃત્યુ કેસ: રિયા ઈડી સમક્ષ હાજર
રિયાનાં ફોનકોલ રેકોર્ડ બહાર આવ્યા: રિયાએ ફોન ઉપર સુશાંત કરતાં સેમ્યુઅલ સાથે વધુ વખત ફોન ઉપર વાત કરેલી
નવીદિલ્હી, તા.7: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનાં પ્રકરણમાં એક પછી એક ચોંકાવનારા નાટકીય ઘટનાક્રમો બની રહ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુધી પોતાનાં નિવેદનની કાર્યવાહીને મોકૂફ રાખવાની સુશાંતની પ્રેમિકા રિયા ચતુર્વેદીની માગણી ઈડીએ નકારી કાઢ્યાની થોડી જ વારમાં રિયા ઈડીનાં કાર્યાલયે પહોંચી ગઈ હતી અને તેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. બીજીબાજુ રિયાનાં ફોન કોલની વિગતો પણ સપાટી ઉપર આવી છે. જેમાં તેણે કોની સાથે કેટલીવાર ફોનમાં વાત કરી હતી તેનાં ખુલાસા થયા છે.
રિયાની જે ત્રણ મિલકતની ઈડી તપાસ કરે છે. જેનાં અનુસંધાને આજે રિયા ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ ગઈ હતી. ઈડીની કચેરીએ તેની સાથે તેનો ભાઈ શોવિક ચતુર્વેદી પણ ગયો હતો અને મોડેથી રિયાની મેનેજર શ્રુતિ મોદી પણ ઈડીની ઓફિસમાં પ્રવેશતી જોવા મળી હતી.
બીજીબાજુ આજે બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યુ હતું. જેમાં એક મોટો આરોપ મૂકતા કહેવામાં આવ્યું છે કે રિયાએ નાણા હડપ કરવા માટે જ રિયા અને તેનાં પરિવારે સુશાંત સાથે નજદીકી વધારી હતી. સુશાંતનાં મૃત્યુ પછી તેની માનસિક બીમારીની વાર્તા ઘડી કાઢવામાં આવી હતી. બિહાર પોલીસનાં કહેવા અનુસાર સુશાંત ફિલ્મોનું કામ છોડીને કર્ણાટકનાં કૂર્ગમાં જમીન ખરીદીને ખેતી કરવા માગતો હતો. રિયાને જ્યારે આની જાણ થઈ ત્યારે તેણે સુશાંતને બ્લેકમેઈલ કરવાની શરૂઆત કરી દીધી હતી.
અન્ય એક અહેવાલ અનુસાર સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું મૃત્યુ 9 જૂને રાતે દોઢ વાગ્યે થયેલું અને તેનાં 12 કલાક પહેલા જ રિયાએ સુશાંતનું ઘર છોડી દીધું હતું. સુશાંત અને રિયા વચ્ચે 8થી 14 જૂન વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. તેવું બન્નેનાં ફોનકોલ રેકોર્ડ ઉપરથી બહાર આવ્યું છે. તો પછી સુશાંતને ધમકીઓ કોણ આપતું હતું એ સવાલ ઉભો થાય છે.
રિયાનાં ફોનનાં રેકોર્ડ પણ આ દરમિયાન સામે આવ્યા છે. જે મુજબ રિયાએ એક વર્ષમાં પોતાનાં પિતા સાથે 1192 વખત, પોતાનાં ભાઈ સાથે 1069 વખત, સુશાંત સાથે 14પ વખત, સેમ્યુઅલ મિરાંડા સાથે 287 વખત, શ્રુતિ મોદી સાથે 791 વખત, સિદ્ધાર્થ પઠાણી સાથે 100 વખત, મહેશ ભટ્ટ સાથે 16 વખત, આદિત્ય રૉય કપૂર સાથે 23 વખત અને ડ્રીમ હોમ રિયલ એસ્ટેટ સાથે 23 વખત વાતચીત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer