આજી-1ની સપાટી 24.25 ફૂટ 35 દી’ ચાલે તેટલું પાણી આવ્યું

ડેમ ઓવરફ્લો થવામાં પાંચ ફૂટનું છેટું : ન્યારી-1 ડેમની સપાટી 19 ફૂટ

ભાદરમાં અડધા ફૂટનો વધારો

રાજકોટ તા.6 : રાજકોટમાં અવિરત વરસેલી મેઘકૃપાએ શહેરને તો પાણીપાણી કરી નાખ્યું છે સાથોસાથ સ્થાનિક જળાશયોમાં પણ નવા નીરની આવક થતાં શહેરની પાણીની સમસ્યાનો સુખાંત આવ્યો છે. આજી ડેમમાં 35 દિવસ તેમજ ન્યારી-1માં 25 થી 27 દિવસ તથા ભાદર-1 ડેમમાં શહેર માટે વધુ 15 દિવસ ચાલે તેટલી નવી જળરાશિ ઠલવાઈ છે.

છેલ્લા 24 કલાકથી મેઘરાજા મન મુકીને વરસતા શહેરમાં 7 ઈંચ જેટલો વરસાદ પડયો છે, ખાસ તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સ્થાનિક જળાશયોમાં નવા નીરની પધરામણી થઈ છે અને શહેરીજનોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં 4 ફૂટ નવા નીરની આવક થતાં 29 ફૂટની કુલ સપાટી ધરાવતા ડેમની વર્તમાન સપાટી 24.25 ફૂટ (610 એમસીએફટી) પહોંચી છે. ડેમ ઓવરફ્લો થવાને માત્ર પાંચ ફૂટનું છેટુ રહ્યું છે.

મ્યુનિ.તંત્ર દ્વારા આજી ડેમમાંથી શહેરની વિતરણ વ્યવસ્થા જાળવવા રોજ 120 એમએલડી (પાંચ એમસીએફટી) પાણીનો ઉપાડ કરવામાં આવે છે. નવા નીરની આવકને ધ્યાનમાં લેતા શહેરને વધુ 35 દિવસ ચાલે તેટલુ પાણી ઠલવાયું છે. શહેરની ભાગોળે આવેલા ન્યારી-1 ડેમમાં ગત રાત્રીથી લઈને અત્યાર સુધીમાં સવા ફૂટ નવા નીરની આવક થઈ છે. 25 ફૂટની સપાટી ધરાવતા ડેમમાં હાલ 19 ફૂટ જળરાશિ ઉપલબ્ધ છે. શહેર માટે જથ્થો 25 થી 27 દિવસ સુધી ચાલે તેટલો હોવાનું કોર્પોરેશનના વોટરવર્કસ શાખાના ઈજનેરી વર્તુળો જણાવી રહ્યાં છે.

રાજકોટ ઉપરાંત ગોંડલ (ગ્રામ્ય) તથા જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. 34 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં અડધા ફૂટ નવા નીર આવ્યાં છે. ગઈકાલે ડેમની સપાટી 1882 એમસીએફટી હતી જે 2009 એમસીએફટી થઈ છે. કુલ 127 એમસીએફટી જળરાશિનો વધારો થયો છે. નવા નીરની આવક થતાં શહેર માટે 15 દિવસ ચાલે તેટલું નવું પાણી આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer