જામનગરમાં આરોગ્ય કેન્દ્રની મહિલા હેલ્થ વર્કરનો આપઘાત

જામનગર, તા.6 : જામનગરના રામેશ્વરનગરમાં માટેલ ચોકમાં શીવધારા ટેનામેન્ટમાં રહેતી જલ્પાબેન ભરતભાઈ ચૌહાણ નામની યુવતીએ તેના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જલ્પાબેન ચૌહાણ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર  હેલ્થ વર્કર તરીકે નોકરી કરતી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
 
યુવાનની લાશ મળી: જામજોધપુર તાબેના અમરાપર ગામે રહેતા લક્ષ્મણ ગગુભાઈ ઓડેદરા નામના યુવાનની રસ્તા પરના પાણીના ખાડામાંથી અર્ધ ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક લક્ષ્મણના માથામાં ઈજાના નિશાન મળી આવતા પીએમ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક લક્ષ્મણે પ્રેમલગ્ન કર્યા હતા અને બાદમાં જુનાગઢ સ્થાયી થયો હતો. દોઢેક માસથી અમરાપર ગામે રહેતો હતો. પત્ની રિસામણે બેઠી  છે અને થોડા સમય પહેલા દારૂનો કેસ થયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
 
સાધુએ ચેઈન સેરવી લીધાની ફરિયાદ: જામનગરમાં પંચેશ્વર ટાવર નજીકની શાલીભદ્ર સોસાયટીમાં રહેતા અને જીઆઈડીસીમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા તુષારભાઈ વિષ્ણુપ્રસાદ  ઠક્કર નામના કારખાનેદાર સ્કુટર લઈને કારખાને જતા હતા. ત્યારે રસ્તામાં એક કારચાલકે અટકાવ્યા હતા અને કારચાલકે તુષારભાઈ ઠક્કરને  કારમાં બેઠેલા દીગંબર સાધુને રહેવા માટે નજીકમાં કોઈ ધાર્મિક સ્થળનું સરનામુ પુછયું હતું. દરમિયાન તુષારભાઈને કારમાં બેઠેલા સાધુએ નજીક બોલાવ્યા હતા અને તેનો મોબાઈલ નંબર માગી તેમાં ફુંક મારી હતી. બાદમાં આશીર્વાદ આપવા માટેથી નજીક બોલાવ્યા હતા અને તુષારભાઈ આશીર્વાદ લેવા માટે નમ્યા હતા. ત્યારે તેના ગળામાં પહેરેલ દોઢ લાખની કિંમતનો સોનાનો ચેઈન સાધુએ સેરવી લીધો હતો અને કારચાલક કાર લઈને નાસી છુટયો હતો. આ અંગે પોલીસે તુષારભાઈ ઠક્કરની ફરિયાદ પરથી કારચાલક અને સાધુ વિરૂધ્ધ ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer