મુળીના ફોજદારને ફોન કરી ધમકાવનાર ભાડુકાની યુવતીની ધરપકડ

સીઆઈડીના સુપ્રિન્ટેન્ડન્ટના નામે ફોન કર્યો’તો
સરા/વઢવાણ, તા.6 : મુળીના ફોજદારને ફોન કરી સીઆઈડીના સુપ્રિન્ટેન્ડન્ટના નામે રોફ જમાવનાર યુવતીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાજકોટ રહી અભ્યાસ કરતી યુવતીને ભીંસ પડતા સામેથી હાજર થતા પોલીસે ધરપકડની કાર્યવાહી કરી હતી.  આ બનાવ અંગેની વિગત એવી છે કે, મુળી તાબેના ઉમરડા ગામે એક મહિલાના શંકાસ્પદ મૃત્યુના બનાવની મુળીના ફોજદાર ડી.જે.ઝાલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતક મહિલાનો મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો હતો. જેના કાગળો અને કપડા મોકલાયા નહોતા. દરમિયાન ફોજદાર ડી.જે.ઝાલાને રાજકોટ સીઆઈડીના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રતિક્ષા પટેલ તરીકેની ઓળખ આપી રોફ જમાવી આ પ્રકરણ મામલે કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવતા પોલીસે ફોન કરનાર યુવતી સંદર્ભે તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં પોલીસની ભીંસ વધતા ભાડુકા ગામની અને રાજકોટમાં ભાડાની રૂમમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી પ્રતિક્ષા ઉર્ફે પોપટભાઈ ઉર્ફે પ્રકાશભાઈ માવજીભાઈ ભુરખીયા નામની પટેલ યુવતી સામેથી પોલીસમાં હાજર થતા અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના કાગળો અને કપડા રાજકોટ નહીં પહોંચતા પ્રતિક્ષા પટેલના ભાડુકા ગામે રહેતા કાકા વિપુલભાઈએ રાજકોટમાં સાતેક વર્ષથી રહેતી અને હાલમાં જીપીએસસીની તૈયારી કરતી ભત્રીજી પ્રતિક્ષા પટેલને વાત કરતા સીઆઈડીના અધિકારીના નામે ફોન કરી ફોજદારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિક્ષા પટેલએ બી.એસ.સી.કેમેસ્ટ્રી સુધીનો સર્વોદય કોલેજમાં અભ્યાસ કર્યે છે અને હાલમાં જીપીએસસીની તૈયારી કરી રહી છે. તેમજ કારમાં પણ સીઆઈડી. લખાવેલ છે અને સાથે એરગન રાખતી હોય તે ફેંકી દીધી હોઈ પોલીસે કબજે કરવા તજવીજ હાથ ધરી હતી અને અન્ય કયાં-કયાં પરાક્રમ કર્યા છે. તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer