રૂ. 35 લાખની લાંચ માગનાર મહિલા ફોજદારનો તપાસમાં અસહકાર

તપાસ ટીમો બહારથી આવ્યા બાદ નવા ખુલાસા થાય તેવી શકયતા
અમદાવાદ, તા. 6: બળાત્કારના આરોપી પાસેથી રૂ. 35 લાખની લાંચ માગવાના આરોપસર પકડાયેલ અને રિમાન્ડ પર લેવાયેલ મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા તપાસમાં સહકાર આપતી ન હોવાનું બહાર આવ્યુ છે. તપાસ ટીમો બહારથી આવ્યા બાદ નવા ખુલાસા થાય તેવી શકયતા છે. શ્વેતાએ તાજેતરમાં રૂ. એક લાખનો આઇફોન ખરીદ કર્યો હોય તે બાબતે તપાસ ચાલી રહી છે.  મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા ગુનાઇત માનસિકતા ધરાવતી હોય અને પોલીસની કાર્યવાહીથી રગેરગથી વાકેફ હોય તેવુ વર્તન કરી રહી છે. કોઇપણ અધિકારી સવાલ કરે તો  કાયદો આપ જાણો જ છો તેમ કહી વાત ટાળી રહી છે. તેની સામે ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને સાયબર ક્રાઇમની ચાર ટીમ તપાસ કરી રહી છે. આ ટીમોએ અમદાવાદ, કેશોદ, પોરબંદર, ઉપલેટા, જામજોધપુરમાં ધામા નાખ્યા છે.શ્વેતાએ અત્યાર સુધીમાં 13 કેસની તપાસ કરી છે. તે કેસના ફરિયાદી, આરોપીઓની પણ પૂછપરછ કરી અન્ય લાંચના વ્યવહારો  કરાયા છે કે કેમ તે તપાસ ચાલે છે. તપાસ ટીમો દ્વારા શ્વેતાની ભરતી પ્રક્રિયાથી લઇને વર્તમાન પોસ્ટીંગ સુધીની મિલકત, વાહન, મોંઘી વસ્તુઓ અને મોબાઇલ ફોનની ખરીદી સહિતની માહિતી  એકત્ર કરી રહી છે. તેના અને તેના પરિવારજનોના બેંક એકાઉન્ટની માહિતી પણ મંગાવી છે. 35 લાખમાંથી રૂ. 20 લાખનો ઓન પેપરનો હિસાબ મળ્યો છે પણ રૂ. 15 લાખ બાબતે તે જવાબ આપતી નથી. તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer