સોરઠમાં મેઘમલ્હાર : સાર્વત્રિક બે થી છ ઇંચ ધોધમાર વરસાદ

સોરઠમાં મેઘમલ્હાર : સાર્વત્રિક બે થી છ ઇંચ ધોધમાર વરસાદ
 માણાવદર તાલુકામાં 12 ઇંચ સુધી ખાબકી જતાં કોડવાવ સહિત 6 ગામ વિખૂટા પડયા : નદીમાં ઘોડાપૂર
જૂનાગઢ,તા. 6 : જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રે મેઘરાજાએ મન મુકી હેત વરસાવતા સાર્વત્રિક બેથી છ ઇંચ ધોધમાર વરસાદ પડતાં નદી-નાળાઓમાં પુર આવ્યા હતાં. જિલ્લામાં ગતરાત્રે મેઘરાજની મહેર જારી હતી. અને રાતભર વરસતા કેશોદમાં 6 ઇંચ, વિસાવદર, માળિયા અને મેંદરડામાં ચાર-ચાંર ઇંચ, માંગરોળમાં ત્રણ, જૂનાગઢ, ભેંસાણ અને વંથલીમાં બે-બે ઇંચ પાણી પડયું હતું. ગતરાત્રે મેઘરાજાએ સોરઠને ધમરોળ્યા બાદ આજે ત્રુટક-ત્રુટક ઝાપટા વરસ્યા હતાં. સારા અને સાર્વત્રિક વરસાદથી સર્વત્ર ખુશી છવાઈ ગઇ છે. હજુ આકાશમાં મેઘાવી માહોલ છવાયેલ હોય તેમજ ભારે વરસાદની આગાહી જોતા સારા વરસાદની સંભાવના નકારી શકાતી નથી.

શાપુર : જૂનાગઢ નજીક શાપુર ખાતે 5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર ગામ પાણી પાણી થઇ ગયું હતું. ઉપરવાસ વરસાદને કારણે ઓઝત અને કાળવા નદીમાં ભારે પુર આવ્યું હતું. શાપુર ઓઝત વિયર ડેમ ઓવરફલો થતા નિચાણવાળા ગામોને સાવચેત કરાયા હતાં.
ભેસાણ : ભેસાણમાં સાંજે 12 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગત આખી રાત વરસાદ વરસવાનું શરૂ રહેતા ઉબેણ નદીમાં પૂર આવ્યું હતું. ભેસાણ ઉપરાંત ખંભાળિયા, રાણપુર, ચુડા, છોડવડી, વાવડી, ખારચીયા સહિતના ગામડાઓમાં પણ મેઘરાજા મન મુકી વરસ્યા હતાં.
માણાવદર : માણાવદર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર 8 થી 12 ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયા છે. શહેરના રસાલા ડેમ ઓવરફલો થયો છે તો બાંટવા ડેમમાં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો જથ્થો ઠલવાતા દરવાજા 2 ફૂટથી વધુ ખોલવા પડયા છે. તે પાણી છોડવાથી કોડવાવ, એકલેરા, સહિત 5 ગામોનો રસ્તા પર પૂર ફરી વળ્યા. રસ્તો હજી બંધ છે તથા વિખૂટા પડયા છે. બુરી-જીલાણામાં 9 ઇંચ વરસાદ પડતાં વિખૂટુ પડયું છે. પાજોદ તરફ 2 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકાર થયા છે. કોડવાવમાં 10, ગળવાવ, મટીયાણા-8 શહેરમાં 8 ઇંચ પડયો છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer