યુનિવર્સિટીઓમાં ફાઈનલ પરીક્ષાઓ અંતે ફાઈનલ

યુનિવર્સિટીઓમાં ફાઈનલ પરીક્ષાઓ અંતે ફાઈનલ
 
ગૃહ મંત્રાલયે કોરોનાની સાવધાની સાથે પરીક્ષાઓ યોજવા આપેલી મંજૂરી: યુજીસીની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ અનિવાર્ય
નવીદિલ્હી,તા.6: કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોમાં કોરોના મહામારીને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનનાં કારણે માર્ચ મહિનાથી બાકી છે ત્યારે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના સંબંધિત સુરક્ષાનાં તમામ માપદંડો સાથે ફાઈનલ પરીક્ષાઓ યોજવા માટે લીલીઝંડી આપી દીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ સચિવને અનલોક-2નાં ભાગરૂપે લાંબા સમયથી યુનિવર્સિટીની પેન્ડિંગ પરીક્ષાઓને મંજૂરી આપતી જાણકારી આપી દેવામાં આવી છે.  ગૃહ મંત્રાલય તરફથી જારી પત્ર અનુસાર ફાઈનલ ટર્મની પરીક્ષાઓ અનિવાર્ય રહેશે અને યુજીસીની ગાઈડલાઈન મુજબ જ લેવામાં આવશે. સાથોસાથ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિર્ધારિક કાર્યપ્રણાલીનું પાલન પણ કરવાનું રહેશે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને હરિયાણાએ ઉચ્ચ શિક્ષણની પરીક્ષાઓ રદ કરીને અગાઉનાં દેખાવનાં આધારે છાત્રોને બઢતી આપી દેવાનાં નિર્ણયો કરવામાં આવેલા છે. જ્યારે ગુજરાત સરકારે ફાઈનલ પરીક્ષાઓ લેવા માટે નિર્ણય જાહેર કર્યાનાં અમુક કલાકમાં જ પલટી નાખ્યો હતો. જ્યારે રાજસ્થાનમાં પણ તમામ યુનિવર્સિટીમાં સ્નાતક અને સ્નાતકોત્તર પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવી છે. એક દિવસ પહેલા જ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે યુજીસીને એપ્રિલમાં જારી કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર અને દિશાનિર્દેશોમાં ફેરવિચાર કરવાં કહ્યું હતું.
------------------
રાજ્યમાં વધુ 735 કોરોના સંક્રમિત
17 દરદીના મૃત્યુથી કુલ મૃત્યુઆંક 1962
423 સાજા થતાં ડિસ્ચાર્જ દરદીનો આંક 26,000ને પાર
અમદાવાદ, તા.6: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આવા સમયે તાવ, શરદીને લઈને ન્યુમોનિયાના કેસ વધવાની સંભાવના વચ્ચે કોરોનાનો કહેર રાજ્યમાં યથાવત રહેવા પામ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 735 કોરોના પોઝિટિવના કેસ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કુલ આંક 36858 થયો છે. બીજીબાજુ વિતેલા 24 કલાક દરમિયાન કોરોના 17 દર્દીને ભરખી જતાં ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1962 થયો છે. આજે 423 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડીસ્ચાર્જ દર્દીનો આંક 26 હજારને વટાવીને 26323 થયો છે. રાજ્યમાં નવા નોંધાયેલા કોરોનાના 735 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 241, અમદાવાદમાં 185, વડોદરામાં 65, ભાવનગરમાં 35, બનાસકાંઠામાં 24, રાજકોટમાં 21, ભરૂચમાં 18, ગાંધીનગરમાં 17, જૂનાગઢમાં 12, વલસાડમાં 13, મહેસાણામાં 12, કચ્છમાં 11, ખેડામાં 9, પંચમહાલ, સાબરકાંઠા અને નવસારીમાં 8-8 અમરેલી અને જામનગરમાં 7-7, સુરેન્દ્રનગર અને દાહોદમાં 5-5, મોરબી અને તાપીમાં 4-4, પાટણ અને છોટા ઉદેપુરમાં 3-3, અરવલ્લી, મહીસાગર, બોટાદ અને ગીર-સોમનાથમાં 2-2 અને આણંદમાં 1 કેસ નોંધાવા પામ્યો છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 22 હજારને પાર કરીને 22075 થયો છે. એ જ રીતે સુરતમાં આ આંક 6713 પર પહોંચ્યો છે. જ્યારે વડોદરાનો આંક વધીને 2634 થયો છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા 17 દર્દીઓમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2 અને બનાસકાંઠા તેમજ ખેડામાં 1-1 મૃત્યુ નોંધાયું છે. અમદાવાદમાં મૃત્યુઆંક 1491, સુરતમાં મૃત્યુઆંક 188 થયો છે.  ગુજરાતમાં હાલની પરિસ્થિતિએ 8573 દરદીઓ એક્ટિવ છે, જેમાંથી 69 વેન્ટિલેટર પર અને 8574 સ્ટેબલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer