કોરોનાના પાંચ દિ’માં એક લાખ કેસ !.. કુલ સાત લાખને પાર

કોરોનાના પાંચ દિ’માં એક લાખ કેસ !.. કુલ સાત લાખને પાર
કોરોનાના વધુ 24,228 કેસ : વધુ 425 મોત સાથે મરણાંક 19,714 રિકવરી રેટ સુધરીને 60.88 ટકા થયો
નવી દિલ્હી, તા. 6 : દુનિયા આખીના જીવ તાળવે ચોંટાડી દેનાર કાળમુખા કોરોના અંગે જાણકારોએ કરેલી આગાહી સાચી પડી રહી છે. જુલાઈ બેસતાંની સાથે જ ભારતમાં ઘાતક વાયરસનું સંક્રમણ જેટની ગતિએ ફેલાઈ રહ્યું છે. વીતેલા 24 કલાકમાં નવા 24,228 કેસ સામે આવતાં દેશમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખ પર પહોંચી ગઈ છે, જેમાંથી 2,53,287 સક્રિય કેસ છે.
ભારતમાં પહેલા એક લાખ કેસ 110 દિવસમાં નોંધાયા હતા. અચાનક જ 20થી વધુ ગણી ગતિ સાથે સંક્રમણ ફેલાતાં માત્ર પાંચ દિવસમાં કોરોના વાયરસના એક લાખ કેસ નોંધાયા છે. 20 હજારથી વધુ કેસ લગાતાર ચોથા દિવસે નોંધાયા છે.  દેશમાં સોમવારે વધુ 425 દર્દીએ જીવ ખોતાં કુલ 19,714 સંક્રમિતોના મોત થઈ ચૂકયાં છે. દેશમાં પરીક્ષણ વધતાં કુલ 70024 કેસ સામે આવી ચૂકયા છે.   બીજીતરફ, દેશમાં સક્રિય કેસો કરતાં બમણી સંખ્યામાં એટલે કે, 4,24,433 દર્દી કોરોનામુક્ત થઈ જતાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 60.88 ટકા થઈ ગયો છે.
ઘાતક વાયરસની જ્યાં સૌથી વધુ અસર છે તેવાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. ત્યારબાદ બીજા સ્થાને અસરગ્રસ્ત તામિલનાડુમાં 1.10 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂકયો છે. રિકવરી રેટ એટલે કે, દર્દીઓ સાજા થવાના દરની દૃષ્ટિએ આખા દેશમાં ટોચનું સ્થાન ધરાવતાં રાજસ્થાન રાજ્યમાં બીજીતરફ, સંક્રમિતોની સંખ્યામાં પણ લગાતાર વધારો થઈ રહ્યો છે.
તામિલનાડુમાં સોમવારે નવા 3827 કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,14,978 થઈ ગઈ છે. તો વધુ 61 મોત સાથે મરણાંક 1571 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 279 પોલીસકર્મી સંક્રમિત થતાં કુલ 5454 પોલીસ જવાનને કોરોનાનો ચેપ લાગી ચૂકયો છે તો 70 પોલીસ કર્મીના મોત થઈ ચૂકયાં છે.
ભારતમાં છેલ્લા સપ્તાહ દરમ્યાન દરરોજ 22 હજાર જેટલા કેસ સામે અમેરિકામાં રોજના 40 હજાર એટલે કે બમણી સંખ્યામાં સંક્રમિતો સામે આવ્યા છે. બ્રાઝિલમાં 30-35 હજાર કેસ નોંધાયા છે.
 
ભારતમાં પરીક્ષણની સંખ્યા એક કરોડે પહોંચી
નવ કરોડથી વધુ ટેસ્ટ સાથે ચીન મોખરે : અમેરિકા ત્રણ કરોડ ટેસ્ટ સાથે બીજાં સ્થાને
નવી દિલ્હી, તા. 6 : ભારતમાં કોરોના પરીક્ષણની સંખ્યા આખરે એક કરોડ પર પહોંચી ગઈ છે, જેમાંથી કુલ્લ 6,97,413 લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા, તો કુલ્લ 19,693 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે.
ભારત રશિયાને પાછળ રાખી દુનિયાનો ત્રીજો સૌથી કોરોના પીડિત દેશ બની ગયો છે. દેશમાં 786 સરકારી અને 314 ખાનગી લેબ છે.
ટેસ્ટિંગમાં સૌથી આગળ એ જ ચીને છે, જ્યાંથી ઘાતક વાયરસનું સંક્રમણ આખાં વિશ્વમાં ફેલાયું છે. ચીનમાં નવ કરોડથી વધુ ટેસ્ટ કરાયા છે.
અમેરિકા ત્રણ કરોડથી વધુ પરીક્ષણ સાથે બીજાં સ્થાને છે. આ દેશમાં ટેસ્ટની સાથોસાથ સંક્રમણ પણ વધી રહ્યું છે.  ભારતની આબાદી વધુ છે, એ ધ્યાને લેતાં પરીક્ષણની ઝડપ હજુ ઘણી વધારવી પડશે, તેવું જાણકારો જણાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer