રાજકોટ-મુંબઈ ફ્લાઈટ મામલે ચાર દિન કી ચાંદની.. જેવો ઘાટ

રાજકોટ-મુંબઈ ફ્લાઈટ મામલે ચાર દિન કી ચાંદની.. જેવો ઘાટ
1લી જૂનથી રાજકોટ-મુંબઈ વચ્ચે ફ્લાઈટના આવાગમન મામલે અનિશ્ચિતતા: આજે ફ્લાઈટ જશે
 
રાજકોટ, તા. ર7: (ફૂલછાબ ન્યુઝ) સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ વેપાર-ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે. માટે જ રાજકોટને મુંબઈ-દિલ્હી જેવા દેશના મુખ્ય શહેરો સાથે સીધો સંપર્ક રહે છે. આ કારણે જ રાજકોટ-મુંબઈ વચ્ચે ફ્લાઈટ ફાળવવાની માંગને તાબડતોબ સ્વીકારાઈ હતી. અને આવતીકાલે લોકડાઉન-4માં પહેલી ફ્લાઈટ મુંબઈ માટે રવાના થશે. જો કે આ ફાળવાયેલી વિમાની સેવા ચાર દિન કી ચાંદની.. જેવી બની રહે તેવી આશંકા સેવાઈ રહી છે.
ગુરૂવારે ફ્લાઈટના આવાગમન બાદ શુક્રવારે ફ્લાઈટ બંધ રહેશે. શનિ અને રવિવારની વિમાની સેવા ચાલુ છે જ્યારે સોમવાર એટલે કે તારીખ 1 જુનથી સ્પાઈસ જેટની રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટની ટિકિટ બૂક થતી નથી. માટે આ સેવા ત્રણ દિવસ પૂરતી જ હતી અને આગળના દિવસોમાં અંધેરી રાત જેવો ઘાટ સર્જાયો છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
સ્પાઈસ જેટના અધિકારીએ જણાવ્યું હતું કે  1લી જૂનથી ઉડ્ડયન ચાલુ રાખવા મિનિસ્ટ્રી પાસે મંજુરી મંગાઈ છે. જો મંજુરી મળશે તો આગળનું આયોજન બનાવી શકાશે. દરમિયાન આવતીકાલે સ્પાઈસ જેટની ફ્લાઈટ મુંબઈથી સવારે 8 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને રાજકોટથી 8 : 30 કલાકે 40થી વધુ પેસેન્જરને લઈને મુંબઈ રવાના થશે. આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા સંદર્ભે પૂરતી વ્યવસ્થા કરાઈ છે. સરકારી માર્ગદર્શિકા પ્રમાણે મુંબઈથી આવનારા લોકોએ 14 દિવસ ફરજીયાત હોમ ક્વોરન્ટાઈન થવું પડશે.
 
 
મુંબઈથી AIની ફલાઈટ 9 યાત્રીને લઇ દીવ પહોંચી
મુંબઈથી દીવ એર ઇન્ડિયાની ફલાઈટ ટેકનીકલ ક્ષતિના કારણે બે દિવસ બંધ રહ્યા બાદ આજરોજ નવ પેસેન્જરોને લઇ દીવ પહોંચી હતી. લોકડાઉનનો બે મહિના જેવો સમય વિતી ગયા બાદ એરપોર્ટમાં પહેલી ફલાઈટ આવી. દરેક પેસેન્જરોના માલને સેનેટાઈઝર કર્યા બાદ પેસેન્જરોનું થર્મલ ક્રીનીંગ દ્વારા હેલ્થ ચેક કર્યા બાદ 14 દિવસ માટે ફેસેલીટી ક્વોરન્ટાઈન કરાયા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer