સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ યથાવત્ત સુરેન્દ્રનગરમાં છ, રાજકોટમાં ચાર કેસ

સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ યથાવત્ત સુરેન્દ્રનગરમાં છ, રાજકોટમાં ચાર કેસ
 
રાજકોટમાં જંગલેશ્વર અને ગ્રામ્યમાં એક-એક, અન્ય રાજ્યમાંથી આવેલા વૃદ્ધ દંપતીને કોરોના : ગીર સોમનાથ, બોટાદ, અમરેલીમાં એક-એક કેસ
 
 સુરેન્દ્રનગરમાં પાંચ, રાજકોટ-ગીર સોમનાથમાં વધુ એક-એક દરદીએ કોરોના સામે જીત મેળવી
 
રાજકોટ,તા.27 : કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા સૌરાષ્ટ્રમાં સંક્રમણ યથાવત્ત રહેતા બુધવારે વધુ 13 પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં છ, રાજકોટમાં ચાર, ગીર સોમનાથ, બોટાદ અને અમરેલીમાં એક-એક કેસ નોંધાયા હતા. રાજકોટમાં નોંધાયેલા ચાર પૈકીના એક દરદીનું આજે જ મૃત્યુ નિપજ્યું હતુ. બીજી તરફ સુરેન્દ્રનગરમાં પાંચ તેમજ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક-એક દરદીએ કોરોના સામે જીત મેળવી હતી અને તેઓને ડિસ્ચાર્જ કરાયા હતા.
રાજકોટ શહેરના જંગલેશ્વરમાં અંકુર સોસાયટીમાં ભવાની ચોક પાસે રહેતા 53 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મુંબઈના માટુંગાથી રાજકોટ આવેલા વૃદ્ધ દંપતીને ફર્ન હોટલમાં ક્વોરન્ટાઈન કરાયા હતા. દંપતીને ગત રાત્રે લક્ષણો જણાતા સેમ્પલ લઈને પરીક્ષણ કરાયું હતુ. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા બંન્નેને ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા હતા. જેમાંથી આજે સાંજે વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ.
આ ઉપરાંત રાજકોટ તાલુકાના ખારચિયા ગામે બે માસની એક બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ શહેરના 80 અને ગ્રામ્યના 19 મળીને કુલ પોઝિટિવ આંક 99 પર પહોંચ્યો છે. મુંબઈથી આવેલા દંપતીનો કોરોના રાજકોટ જિલ્લાના કુલ પોઝિટિવ અને મૃત્યુ પામેલા દરદીઓની યાદીમાં સમાવેશ કરાયો નથી. રાજકોટ ગ્રામ્યના 43 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ દરદી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં ઇશદ્રા ગામે આધેડ, જેગડવા ગામે યુવતી, કોંઢ ગામે યુવક અને ચુડાનાં બલાળા ગામે મહિલા તેમજ યુવક તથા પાટડીમાં 19 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સાથે કોરોના પોઝિટિવ દરદીનો આંકડો 30 થઇ ગયો છે. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડાળા ગામના બે પુરુષ, ગુંદીયાવાડા ગામના એક પુરુષ, સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના બે પુરુષ એમ કુલ પાંચ દરદીને રજા આપવામાં આવી હતી.
બોટાદનાં બરવાળા તાલુકાના ચોકડી ગામનાં 56 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાને ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં ખસેડાઈ છે.
અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જુના જાંજરીયાના વતની 45 વર્ષીય વૃદ્ધા ગત તા.23ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવતા સીધા ધારી ક્વોરન્ટાઈન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. તેમને 24મેના રોજ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. બાદ તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સેમ્પલનું પરીક્ષણ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દરદીનો કુલ આંક 8 થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામે વાડી વિસ્તારમાં રહેતા 42 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે. આ પુરુષ ગત તા.13ના મુંબઇથી ઉના આવ્યો અને ત્યાંથી જ હોમ ક્વોરન્ટાઈન કરાયો હતો. બીજી તરફ સોમનાથ ખાતેના કોવીડ કેર સેન્ટરમાં કોરોનાની સારવાર લઇ રહેલા ઉનાના વિદ્યાનગરમાં રહેતા કેશુભાઈ ડાયાભાઈ ભેડા (ઉ.વ.45) સ્વસ્થ થઇ ગયા હોવાથી આજે તેમને રજા આપી દેવામાં આવી હતી.
 
જૂનાગઢ જિલ્લાની 3 મહિલા કોરોના મુક્ત થતાં રજા અપાઈ
જૂનાગઢ, તા.27: જિલ્લાની ત્રણ મહિલાઓએ કોરોનાને માત આપતા આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા તેઓએ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રનો દીલથી આભાર વ્યક્ત કર્યો હતો.  ભેંસાણ તાલુકાના રાણપુરની બે મહિલા તથા માંગરોળના ઝરિયાવાડાની એક મહિલાને ગત તા.18ના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આજે તેઓના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.  હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ચુડા લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતી ભૈરવીબેન પંડયાએ જણાવ્યું કે, આઇસોલેશન વોર્ડમાં કોવિડ-19 પોઝિટિવ ગ્રુપ બનાવી સુખ-દુ:ખ શેર કરતા હતા અને હોસ્પિટલ તંત્ર પરિવાર જેવી સંભાળ લીધી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer