ભારતનાં જાસૂસી ડ્રોનને તોડી પાડયાનો નાપાક દાવો

ભારતનાં જાસૂસી ડ્રોનને તોડી પાડયાનો નાપાક દાવો
ઈસ્લામાબાદ, તા. 27: કોરોના સંકટમાંથી પોતાનાં દેશને ઉગારવાને બદલે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન નેપાળ અને ચીન મુદ્દે ભારતનો દુષ્પ્રચાર કરવામાં પોતાની ઉર્જા ખર્ચી રહ્યા છે. તો બીજીબાજુ છાસવારે શત્રવિરામનો ભંગ કરનાર પાકે. હવે ભારત ઉપર જાસૂસી ડ્રોન મોકલવાની આળ લગાવી છે અને દાવો કર્યો છે કે તેની હદમાં ઘૂસેલા ભારતીય ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ઈમરાન ખાને હવે નેપાળ અને ચીન સાથે ચાલી રહેલા ભારતના વિવાદ મુદ્દે મોદી સરકાર ઉપર પ્રહાર કર્યો છે. ઈમરાને ટ્વિટ કર્યું હતું કે, હિન્દુત્વવાદી મોદી સરકારની અભિમાની વિસ્તારવાદી નીતિઓ નાઝી વિચારધારા જેવી છે.  દરમિયાન આજે પાકે. દાવો કર્યો હતો કે, નિયંત્રણ રેખા પાસે તેનાં એરસ્પેસનું ઉલ્લંઘન કરીને ઘૂસેલા જાસૂસી ક્વોડકોપ્ટર ડ્રોનને તોડી પાડયું છે.  આ પહેલા એપ્રિલમાં પણ પાક.સેનાએ આવો જ દાવો કર્યો હતો. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ભારતે હટાવ્યા પછીથી પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાનાં પ્રયાસો કરે છે. બીજીબાજુ ઈમરાન ખાન પણ ભારત વિશે દુષ્પ્રચારની કોઈ તક ગુમાવતા નથી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer