લોકડાઉન-5 મોટાભાગનાં નિયંત્રણ રાજ્ય હસ્તક

લોકડાઉન-5  મોટાભાગનાં નિયંત્રણ રાજ્ય હસ્તક

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધોની જ માર્ગદર્શિકા આપશે: ગૃહ મંત્રાલયે અટકળોનું કર્યુ ખંડન
નવીદિલ્હી, તા. 27: કોરોના સામેનાં યુદ્ધમાં હવે ચોથા લોકડાઉનની અવધિ પૂરી થવામાં પણ ચાર જ દિવસ આડે બચ્યા છે ત્યારે દેશની આગામી રણનીતિ કેવી રહેશે તેની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. જેમાં એવું જાણવા મળે છે કે 31મી મે પછી કેન્દ્ર સરકાર ફક્ત રાષ્ટ્રીય પ્રતિબંધો બાબતે માર્ગદર્શિકા આપીને પોતપોતની સ્થિતિ અનુરૂપ નિયંત્રણો નિર્ધારિત કરવાનું રાજ્યો ઉપર જ છોડી દેશે.  વધુ બે સપ્તાહ સુધી લોકડાઉન લંબાવાશે અને આ વખતે મોટે ભાગે મુંબઈ અને અમદાવાદ સહિતના 11 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આજે એવી સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી કે, મીડિયામાં પાંચમા લોકડાઉન વિશે જાતજાતની અટકળો આવી રહી છે પણ તેમાં કોઈ વજૂદ નથી.
સૂત્રોનાં હવાલેથી આવતા અહેવાલો અનુસાર 31મી પછી દર પખવાડિયે સ્થિતિની સમીક્ષા કરવામાં આવતી રહેશે અને જ્યાં સુધી તમામ નિયંત્રણો હટી ન જાય ત્યાં સુધી આ પખવાડિક સુધારાઓ કરવામાં આવતા રહેશે.
હવે પછીનાં લોકડાઉનમાં કેન્દ્ર સરકારની ભૂમિકા મર્યાદિત બની જશે અને તેનાં તરફથી માત્ર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધોનાં નિર્ણય જ કરવામાં આવશે. જેમ કે ફરજિયાત માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સંબંધિત દિશાનિર્દેશ તેના દ્વારા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચોથા લોકડાઉનમાં જ કેન્દ્ર સરકારે પોતાની ભૂમિકા ઘટાડી નાખી છે. 17મી મેનાં રોજ ગૃહમંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકામાં પણ કન્ટેઈન્મેન્ટ ઝોન નક્કી કરવાનો અધિકાર રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોને આપી દેવામાં આવ્યો હતો.
એક મીડિયા હેવાલમાં જણાવાયું હતું કે લોકડાઉનના પાંચમા તબક્કાની તૈયારીઓ થઈ રહી છે. તેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, થાણે, પુણે, ઈન્દોર, ચેન્નાઈ, સુરત, જયપુર, કોલકાતા, બેંગ્લોર પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કારણ કે 70 ટકા કેસો આ જ શહેરોમાં છે. લોકડાઉન-પાંચમાં ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ મળશે. જો કે, કોઇ તહેવાર મનાવવાની કે મેળો વગેરે યોજવાની છૂટ નહીં અપાય. ઉપરાંત જિમ પણ ચાલુ થઈ જશે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવું પડશે. મોલ અને મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં પાબંદીઓ જારી રહેશે. વધુ બે સપ્તાહ સુધી લોકડાઉન જારી રાખવામાં આવશે, કોલેજ અને શાળાઓ પણ હજી બંધ જ રહેશે. તો લગ્ન અને અંતિમવિધિમાં વધુ કેટલાક લોકોને સામેલ થવાની છૂટ આપવામાં આવશે.
એક અહેવાલમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 31મી મેનાં રોજ પોતાનાં મન કી બાત રેડિયો કાર્યક્રમના માધ્યમથી પાંચમા લોકડાઉનની ઘોષણા કરશે. જેને પગલે ગૃહ મંત્રાલયે આજે ચોખવટ કરી હતી કે આ માત્ર અટકળ છે અને તે નિરાધાર છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer