ભયાનક મંદીનાં ભણકારા

ભયાનક મંદીનાં ભણકારા

ક્રિસિલનું અનુમાન: ભારતમાં મહામંદી આવશે: રેટિંગ એજન્સી ફિચે ભારતનો વૃદ્ધિદર નકારાત્મક પાંચ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું
નવીદિલ્હી, તા.27 : વૈશ્વિક મહામારી કોરોના અને ત્યારબાદ લાગુ કરવામાં આવેલી દેશબંધીઓનાં કારણે વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવી જ રીતે ભારતની અર્થ વ્યવસ્થાની હાલત પણ કથળી ગઈ છે. રેટિંગ એજન્સી ફિચનાં કહેવા અનુસાર વર્ષ 2020-21માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ઋણ (માઈનસ) પાંચ ટકા જેટલો થઈ જશે. તો બીજીબાજુ ક્રિસિલ દ્વારા ભારતમાં આઝાદી પછીની ચોથી સૌથી મોટી અને અત્યાર સુધીની સૌથી ભયાનક મંદીની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ફિચ રેટિંગ્સનાં કહેવા અનુસાર લોકડાઉનનાં કારણે અર્થતંત્ર ખોરવાઈ ગયા છે અને તેની સીધી અસર જીડીપી ઉપર પડવાની છે. આ પહેલા ફિચ દ્વારા એપ્રિલમાં એવું અનુમાન આપવામાં આવ્યું હતું કે, ભારતનો જીડીપી વૃદ્ધિદર 0.8 ટકા જેટલો રહેશે. જો કે હવે તેણે પોતાનાં આ અનુમાનમાં સુધારો કરીને તેમાં ભારેખમ ઘટાડો કરી નાખ્યો છે. તેનાં કહેવા અનુસાર ભારતનાં વૃદ્ધિદરમાં પ ટકા જેટલો ભીષણ ઘટાડો આવી શકે છે.
બીજીબાજુ ક્રિસિલનાં અંદાજ મુજબ પણ ભારતની અર્થવ્યવસ્થામાં પાંચ ટકાનો તોતિંગ ઘટાડો આવશે. આ પહેલા તેનું અનુમાન 1.8 ટકાનાં વૃદ્ધિદરનું હતું. પરંતુ લોકડાઉન અને કોરોનાનાં કહેરમાં હવે તેના તરફથી આમાં સુધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે પણ ભારતીય અર્થતંત્રમાં નકારાત્મક વૃદ્ધિ આવવાની સંભાવનાને પુષ્ટિ આપી દેવામાં આવી છે. ક્રિસિલનાં કહેવા મુજબ બિનકૃષિ અર્થતંત્રમાં 6 ટકાનું ગાબડું પડશે. જ્યારે કૃષિમાં 2.પ ટકા જેટલો વધારો આમાં થોડી રાહત આપનારો બની જશે.
ક્રિસિલનાં કહેવા મુજબ છેલ્લા 69 વર્ષમાં ભારતમાં 19પ8, 1966 અને 1980માં મહામંદીઓ આવી છે. આ તમામ મંદીનું કારણ દુષ્કાળ હતાં પણ આ વખતની અસાધારણ પરિસ્થિતિમાં આવનારી મંદી અગાઉની તમામ મંદીઓ કરતાં ભયાનક રહેવાની ધારણાં ક્રિસિલે બાંધી છે.
 
આર્થિક ગતિ માટે રાજ્યો વીસ લાખ કરોડ સાથે આગળ આવે: ગડકરી
નવી દિલ્હી, તા. 27: કોરોના મહામારીને પગલે આર્થિક પ્રવૃત્તિને વેગીલી બનાવવા વધુ તરલતાની જરૂર છે અને કોવિડ-19 સામે લડવા રાજ્યોએ રૂ. વીસ લાખ કરોડ સાથે આગળ આવવું રહ્યું, જ્યારે જાહેર - ખાનગી રોકાણોમાંથી અન્ય રૂ. દસ લાખ કરોડ ઉભા કરી શકાશે એમ માર્ગ પરિવહન, ધોરીમાર્ગો અને એમએસએમઈ ખાતાના કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું.
અર્થતંત્ર ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, બિઝનેસ બંધ થતા ચાલ્યા છે અને બેકારી વધતી રહી છે.સમાજના તમામ વર્ગ-હિજરતી હોય, મીડિયા, વેપારી/ધંધાર્થી કે કર્મચારી-સૌ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે,પરંતુ અંતે આપણે આર્થિક જંગ અને કોરોના જંગ જીતીશું એમ તેમણે એક સમાચારસંસ્થા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. રૂ.20 લાખ કરોડના તાજેતરના પેકેજની સાથે ઉકત રૂ. દસ લાખ કરોડ જોડવાથી, મહામારીથી અર્થવ્યવસ્થા પરની વિષમ અસર સામે લડવા બજારમાં રૂ.પ0 લાખ કરોડની તરલતા પરિણમશે.
 રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ચૂકયું છે અને આવતા બે વર્ષમાં  રૂ. 1પ લાખ કરોડના ખર્ચે ધોરીમાર્ગો બાંધવાનુ સરકારનું આયોજન છે એમ જણાવી તેમણે ઉમેર્યુ હતું કે લગભગ 80 ટકા પ્રોજેકટો પરનું કામ પુન: શરૂ થઈ ચૂકયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer