અશાંતિ સર્જીને શાંતિની વાતો કરતું ચીન

અશાંતિ સર્જીને શાંતિની વાતો કરતું ચીન

સેનાને યુદ્ધસજ્જ  રહેવાના આદેશ બાદ શાંતિદૂતના સ્વાંગમાં ા સરહદે સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં
 
નવી દિલ્હી, તા.27 : ભારતને અડીને આવેલી સરહદે લદ્દાખ સહિતના ક્ષેત્રોમાં સૈન્ય ઝપાઝપીથી વધેલી તંગદિલી વચ્ચે ચીને એક તરફ પોતાના સૈનિકોને જંગી સંખ્યામાં ખડકી દીધા છે તો બીજીતરફ ‘શાંતિદૂત’ની અદામાં થોડી નરમાશ લાવીને જણાવ્યું હતું કે સરહદે સ્થિતિ સ્થિર છે. બીજીતરફ ભારતમાં ચીનના રાજદૂતે પણ ભારત-ચીન એકમેક માટે ખતરો નહીં, પરંતુ સંભાવનાઓના દ્વાર હોવાનું કહીને જણાવ્યું હતું કે ડ્રેગન અને હાથી સાથે નાચી શકે છે.
ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતની સાથે સરહદ પર સ્થિતિ સંપૂર્ણ રીતે સ્થિર અને નિયંત્રણ યોગ્ય છે. બંને દેશોની પાસે વાતચીત અને વિચાર-વિમર્શ કરીને મુદ્દાઓને હલ કરવા માટે ઉચિત તંત્ર અને સંચાર માધ્યમ પણ ઉપલબ્ધ છે.            વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ચાલી રહેલા ગતિરોધની પૃષ્ઠભૂમિમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ને ઝાઓ લિજિઆને કહ્યું હતું કે સરહદથી સંબંધિત મુદ્દાઓ પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. અમે બંને નેતાઓ વચ્ચે બનેલી મહત્ત્વપૂર્ણ સહમતી અને બંને દેશ વચ્ચેની સમજૂતીનું કડકાઈથી પાલન કરતા રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બે અનૌપચારિક બેઠકો બાદ તેઓના એ નિર્દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં તેઓએ બંને દેશની સેનાઓને પરસ્પર વિશ્વાસ પેદા કરવા તરફ કદમ ઉઠાવવાનું જણાવ્યું હતું.
દરમ્યાન, પાંચમી મેથી જ પૂર્વી લદ્દાખમાં એલએસી પર તંગદિલી સર્જી ભારત પર દબાણ લાવવામાં નાકામ રહેલાં ચીનના સૂર થોડા નરમ થઈ રહ્યા છે. ભારતમાં ચીનના રાજદૂતે પણ મતભેદોને વાતચીતથી હલ કરવા પર જોર આપ્યું હતું.
ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગે કન્ફેડરેશન ઓફ યંગ લીડર્સ મીટને સંબોધતાં ભારત અને ચીનના સંબંધોને મજબૂત બનાવવાની જરૂરત જણાવી હતી. તેમણે કહ્યું કે આપણે ક્યારેય પણ મતભેદોને સંબંધો પર હાવી થવા દેવા જોઈએ નહીં. ચીન અને ભારત કોવિડ-19 સામે સહિયારી લડાઈ લડી રહ્યા છે અને અમારા પર સંબંધોને પ્રગાઢ કરવાની જવાબદારી છે.
 
ભારત-ચીન વચ્ચે મધ્યસ્થતા માટે ટ્રમ્પની તૈયારી
નવીદિલ્હી,તા.27: ભારત અને ચીન વચ્ચે સીમાએ તનાવ વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશ વચ્ચે મધ્યસ્થતાને પેશકશ કરી છે. ટ્રમ્પે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, સીમા વિવાદ ઉકેલવાની દિશામાં મધ્યસ્થતા માટે બન્ને દેશોને સૂચિત કરી દેવામાં આવ્યાં છે. જો બન્ને દેશો ઈચ્છે તો પોતે આ વિવાદમાં મધ્યસ્થી કરવાં માટે તૈયાર છે. હવે ભારત અને ચીન તેમની આ ઓફર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.
 
તાઈવાન રાષ્ટ્રપતિનાં શપથમાં ભાજપ સાંસદોને ઓનલાઈન હાજરીથી ચીન ભડક્યું
નવીદિલ્હી, તા.27: તાઈવાન પોતાને સ્વાયત અને સ્વતંત્ર દેશ ગણાવે છે પણ ચીન તેને પોતાનો હિસ્સો ગણાવતો દાવો છોડી રહ્યું નથી. આ સ્થિતિમાં ભારત દુનિયાનાં એવા દેશોમાં સામેલ રહ્યું છે જેને તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો રહ્યા નથી પણ ભારતની આ નીતિમાં બદલાવથી ચીનનાં પેટમાં બળતરા ઉપડી ગઈ છે. જેમાં તાઈવાનનાં રાષ્ટ્રપતિનાં શપથગ્રહણ કાર્યક્રમમાં ભાજપનાં બે સાંસદો સામેલ થતાં દિલ્હી સ્થિત ચીનનાં દૂતાવાસે સખત વાંધો પણ ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાઈવાનનાં રાષ્ટ્રપતિ સાઈ-ઈંગ વેનનાં શપથ કાર્યક્રમમાં ભાજપનાં સાંસદ મિનાક્ષી લેખી અને રાહુલ કાસવાન વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતાં અને અભિનંદન પણ પાઠવ્યા હતાં. જેનાં હિસાબે ચીનને શૂળ ઉપડયું છે. તેથી તેણે બન્ને સાંસદોને ઈ-મેઈલ મોકલીને વાંધો ઉઠાવ્યો છે.
 
 
નકશા વિવાદમાં નેપાળની પીછેહઠ
ભારતના હિસ્સાઓને નકશામાં સામેલ કરવાનો પ્રસ્તાવ સંસદમાં છેલ્લી ઘડીએ રજૂ ન થયો
નવી દિલ્હી, તા. 27 : ભારત સાથે નેપાળે સીમા મામલે વિવાદમાં ભારતીય સ્થળો પર દાવા સાથેનો નકશો પ્રકાશિત કર્યા પછી પાછીપાની કરી છે. નકશો પ્રકાશિત કરીને રાજકીય અને કૂટનીતિક સંબંધોમાં તિરાડ સર્જાયા પછી નેપાળે નકશામાં બંધારણીય સંશોધન કરવાનો પ્રસ્તાવ જ હટાવી નાખ્યો હતો.
વાસ્તવમાં નેપાળની સંસદમાં આજે દેશના નકશામાં પરિવર્તન માટેનો બંધારણીય સુધારાનો પ્રસ્તાવ રજૂ થવાનો હતો, પરંતુ તેના પરની કોઈ ચર્ચા તો દૂર, તેને સદનના એજન્ડામાંથી જ છેલ્લી ઘડીએ હટાવી લેવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ નેપાળે એક નવો નકશો જારી કરીને ભારતનાં ત્રણ ક્ષેત્રોને પોતાનાં બતાવતો નકશો પ્રકાશિત કર્યો હતો. જોકે જ્યાં સુધી તેને બંધારણીય રીતે માન્યતા ન મળે ત્યાં સુધી માન્ય ગણી શકાય નહીં.
આ પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે આજે બપોરે બે વાગ્યે કાનૂનમંત્રી શિવમાયા તુમબહામ્ફે આ પ્રસ્તાવને રજૂ કરશે. દરમ્યાન, પ્રસ્તાવ શા માટે રજૂ કરવામાં આવ્યો નથી તે અંગે કોઈ જાણકારી નથી. જોકે કાઠમાંડુ પોસ્ટ અનુસાર કૃષ્ણપ્રસાદ સિતૌલાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કાર્યસમિતિ સંશોધન પર નિર્ણય કરશે. હાલના તબક્કે તેને રોકી દેવામાં આવ્યો છે. સંશોધનને પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હોય છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ગઈકાલે એક સર્વપક્ષીય બેઠક બોલાવીને તેને સર્વસંમતિથી પસાર કરવાનો અનુરોધ કર્યો હતો.
જાણકારી અનુસાર મધેશ આધારિત પક્ષોએ સરકાર પર એવું દબાણ કર્યું હતું કે આ સંશોધન ઉપરાંત તેમની માંગોને પણ સામેલ કરવામાં આવે. જનતા સમાજવાદી પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. પીએમ ઓલી તેને દેશની ભાવનાઓથી જોડાયેલો મુદ્દો બતાવતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેપાળની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી પાસે રાષ્ટ્રીય એસેમ્બલીમાં બે તૃતીયાંશ બહુમત છે, પરંતુ તેને બંધારણમાં સુધારા માટે નીચલાં ગૃહનું પણ સમર્થન જોઈએ, ત્યાં તેની પાસે 10 બેઠક ઓછી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer