ચણામાં મંદી વચ્ચે 35 ખરીદ કેન્દ્રો બંધ થતા કિસાનોમાં રોષ

ચણામાં મંદી વચ્ચે 35 ખરીદ કેન્દ્રો બંધ થતા કિસાનોમાં રોષ

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ.તા.23 : આખી સીઝનમાં ટેકાના ભાવથી સસ્તાં વેચાયેલા ચણાની સરકારી ખરીદી અસંખ્ય કેન્દ્રોમાં એકાએક બંધ કરી દેવાતા ખેડૂતોનો રોષ ઉકળી ઉઠયો છે.અલબત્ત ખરીદ કરનારી એજન્સી ગુજકોમાસોલના કહેવા પ્રમાણે સરકારની માર્ગરેખા પ્રમાણે પાક ઉત્પાદનના 25 ટકા જેટલી ખરીદી થઇ ગઇ છે તેવા સેન્ટરો જ બંધ કરાયા છે. હજુ ગુજરાતમાં આશરે 27થી 38 કેન્દ્રો ચાલુ છે.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી જણાવે છે કે, કેન્દ્ર સરકારે ઉત્પાદનના 25 ટકા ખરીદી થાય એટલે કેન્દ્રો બંધ કરી દેવાની સૂચના આપેલી છે. એ પ્રમાણે કેન્દ્રો બંધ થયા છે.
ગુજરાતમાં સાડા ચાર લાખ ટન ચણાનું ઉત્પાદન થવાનો સરકારી અંદાજ છે.  એ પ્રમાણે કુલ 1.12 લાખ ટનની ખરીદી કરવાની સૂચના છે. ગુજરાતમાં શનિવાર સુધીમાં 71 હજાર ટનની ખરીદી ટેકાના રુ. 975ના ભાવથી સંપન્ન થઇ છે. પાકના 25 ટકા માલ ખરીદાઇ ગયો ત્યાં જ સંસ્થાએ કેન્દ્રો બંધ કર્યા છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ગુજરાતમાં ચણાની ખરીદી માટે કુલ 1.48 લાખ ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. આરંભે 96 કેન્દ્રો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે 15 કેન્દ્રોમાં 50 કરતા પણ ઓછાં ખેડૂતો નોંધાતા તેમને નજીકના અન્ય કેન્દ્રો પર ખસેડાયા હતા. 12 કેન્દ્રોમાં કોઇ નામ નોંધાયું ન હતુ.
ચણા ખૂલ્લા બજારમાં રુ. 740-820ના ભાવથી વેચાય રહ્યા છે. તેની સામે સરકારનો ટેકાનો ભાવ રુ. 975 છે. આમ ખેડૂતો ખૂલ્લા બજારમાં વેંચીને લૂંટાઇ રહ્યા છે. ત્યારે સરકારી ખરીદી વધુ જથ્થામાં કરવામાં આવે તેવી માગણી પણ થઇ છે.
ગુજકોમાસોલ દ્વારા મુખ્યમંત્રીને જાણ કરીને કેન્દ્રમાં ભલામણ કરવા જણાવાયું છે. સંસ્થાએ પુરુષોત્તમ રુપાલા અને નરેન્દ્રાસિંહ તોમરને પણ લેખિતમાં જાણ કરીને ખરીદી માટે ભલામણ કરી છે. અલબત્ત હવે સોમવાર સુધી રજા હોવાને લીધે મંગળવાર પછી જ કોઇ નિર્ણય આવી શકે તેમ છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer