રાજકોટમાં ટેસ્ટીંગ ઘટાડવા પાછળ શું છે લોજિક?

રાજકોટમાં ટેસ્ટીંગ ઘટાડવા પાછળ શું છે લોજિક?

કોરોના સંદર્ભે શહેરમાં રોજ 100 ટેસ્ટીંગનો ટાર્ગેટ ઘટાડીને 40 થી 50 ટકા કરી નખાયો !
 જનકસિંહ ઝાલા
રાજકોટ તા.23 : સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પોઝીટીવ કેસોના આંકડો વધતો જાય છે, ખરેખર તો આ સંક્રમણ ઘટાડવું તો વધુમાં વધુ ટેસ્ટીંગ થાય તે જરૂરી છે જો વધુ સેમ્પલ લેવામાં આવે તો ખરેખર કેટલા લોકો સંક્રમિત છે ? કેટલા લોકો ઉપર વાયરસે મજબૂત પકડ બનાવી છે ? તેનો સાચો ખ્યાલ આવી શકે તેમ છે પરંતુ અહીં તો જાણી જોઈને પોઝીટીવ કેસ ઓછા દેખાડવા માટે સેમ્પલ લેવાની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 13,273 પોઝીટીવ કેસ સામે આવ્યાં છે જેમાં એકલા અમદાવાદના જ 9724 કેસ છે. એટલે કે, સમગ્ર રાજ્યના 73 ટકા કેસ એકલા અમદાવાદના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 802 લોકો મૃત્યુ પામ્યાં છે જેમાં અમદાવાદના 645 લોકો છે એટલે કે, કોરોનાના કારણે સમગ્ર રાજ્યનો જે ડેથ રેશિયો છે તેમાં 80 ટકા મૃતકો અમદાવાદના છે. રાજ્યનું સૌથી પ્રથમ ક્રમનું હોટસ્પોટ શહેર અને લાખોની વસ્તી હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 45,000 જેટલા લોકોનું જ ટેસ્ટીંગ કરાયું છે, એવી જ પરિસ્થિતિ રાજકોટ તેમજ અન્ય શહેરોની છે.
રાજકોટ શહેર-જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા 90 પહોંચી છે અને બે લોકો મૃત્યુ પામ્યાં છે, અત્યાર સુધીમાં શહેરમાં 3732 લોકોના જ ટેસ્ટ થયાં છે. રાજકોટના છેલ્લા 10-12 દિવસનો રેકોર્ડ તપાસીએ 20 લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરમાં રોજ વધુમાં વધુ 100 આસપાસ જ ટેસ્ટીંગ થયાં છે. તારીખવાઈઝ આંકડા તપાસીએ તો ગત તા.10ના રોજ 133, તા.13ના  રોજ 82, તા.14ના રોજ 103, તા.17ના રોજ 92, તા.18ના રોજ 125 તા.20ના રોજ 62 અને તા.22ના રોજ માત્ર 12 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. કોર્પોરેશને જાહેર કરાયેલા આ ડેટા છે. ઉપરોક્ત પૈકી વચ્ચે આવતી જે તારીખનો ડેટા ઉલ્લેખ નથી તે દિવસે ખરેખર સેમ્પલ લેવાયા કે કેમ ? તેની માહિતી તંત્રએ પૂરી પાડી નથી.
ક્યાંકને અમદાવાદ અને મુંબઈની જેમ હવે રાજકોટમાં પણ સેમ્પલ ઓછા લઈને પોઝીટીવ કેસ ઓછા દેખાડવાની નીતિ અપનાવાઈ રહી છે. અન્ય જિલ્લાની બોર્ડરો ખુલી ગઈ છે ત્યારે શહેરની હદમાં દાખલ થતાં લોકોને ક્વોરન્ટાઈન કરવાનું એક તરફ, પૂરતુ ક્રીનીંગ પણ કરવામાં આવતું નથી. આવી વિકટ સ્થિતિમાં જો સંક્રમણ ફેલાયું તો એ કહેવામાં કોઈ અતિરેક નથી કે શાંત ગણાતા રાજકોટ શહેરમાં આગામી એક માસમાં કોરોનાનો બ્લાસ્ટ થશે અને તેના પર કાબૂ મેળવવો અશક્ય બની જશે.
સમરસ હોસ્ટેલમાં ફેસિલીટી કવોરન્ટાઈનના નામે મજાક !
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન છે કે, કોઈ પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ફેસિલીટી ક્વોરન્ટાઈન કરવામાં આવે છે જેના માટે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલને પસંદ કરવામાં આવી છે પરંતુ છેલ્લા 15 દિવસથી અહી લોલમલોલ જ ચાલી રહ્યું છે. અહીં રાખવામાં આવેલા દર્દીઓને પાંચથી 14 દિવસમાં સેમ્પલ લેવાના હોય છે પરંતુ એવું થતુ નથી અને તેઓ પોતાનો કોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ કરે કે તરત જ તેઓ પૈકીના મોટાભાગના લોકોને રજા આપી દેવામાં આવી છે. આવી વ્યક્તિ ખરેખર પોઝીટીવ છે કે નેગેટીવ ? તે સામે આવતું નથી અને પોતે જે સોસાયટીમાં રહે છે ત્યાં ક્યારેક સુપર સ્પ્રેડર બની જાય છે. હોસ્ટેલમાં જે દર્દીમાં કોરોનાના લક્ષણો સ્પષ્ટ નજરે ચડે છે તેવો જ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ મૂકવામાં આવે છે.
 
આખરે શું થઈ રહ્યું છે?
(1)       સેમ્પલ લેવાની સંખ્યામાં ઘટાડો, ટાર્ગેટમાં મોટો તફાવત
(2)       દર્દીઓની પસંદગીમાં ઘટાડો
(3)       પોઝીટીવ આવે તેવા દર્દીઓનું સેમ્પલ લેવાનું નહી !
(4)       ફેસિલીટી ક્વોરન્ટાઈનના નામે મજાક
(5)       અમદાવાદ-મુંબઈથી આવતા લોકોનું હેલ્થ ચેકિંગ નહીં
(6)       ઓરેન્જ ઝોન માત્ર નામ પૂરતો
(7)       સોશ્યલ ડિસ્ટન્સીંગના લિરા ઉડયા છતાં ‘સબ સલામત’ની આલબેલ
 
ટાર્ગેટ પણ પૂરો થતો નથી !
દરેક કોર્પોરેશનમાં રોજેરોજ સેમ્પલ લેવા માટે એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હોય છે. રાજકોટના જંગલેશ્વર જ્યારે પહેલો પોઝીટીવ કેસ સામે આવ્યો ત્યારે રોજના 100 લોકોના ટેસ્ટીંગનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. દર્દીઓની સંખ્યા વધતા એ ટાર્ગેટ પણ વધ્યો પરંતુ નક્કી કરેલા લક્ષ્યાક સામે માત્ર 40થી 50 ટકા જેટલુ જ કામ થાય છે.
 
 
તો..વીડિયો કોન્ફરન્સમાં ઉધડો લેવાઇ જાય !
 
મનપાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર સેમ્પલ ઓછા લેવા પાછળ આરોગ્ય મંત્રાલયનો આદેશ છે. જો ઓછા સેમ્પલ લેવાય તો પોઝીટીવ કેસ પણ ઓછા સામે આવે તેવું ગણિત માંડવામાં આવ્યું છે. હેલ્થ કમિશનર, એડિશ્નલ હેલ્થ સેક્રેટરી સહિતના નોન મેડીકલ અધિકારીઓની મનમાની સામે મેડીકલ સ્ટાફ લાચાર છે. જો ભૂલથી પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો મોટો આંકડો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવે તો રોજ સાંજે થતી વીડિયો કોન્ફરન્સમાં તબીબી સ્ટાફનો ઉધડો લેવામાં આવે છે. જાણે તેઓએ કોઈ ગુનો કર્યો હોય તેવું વર્તન તેઓની સાથે કરાય છે. ટૂંકમાં ખરેખર જેને પોઝીટીવ કેસના લક્ષણો દેખાતા હોય તે વ્યક્તિનું સેમ્પલ જ ન લેવા માટે કડક સૂચનાઓ જાહેર કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer