GST પર ‘આફત સેસ’ નામે ઉપકર લાદવા કેન્દ્રની વિચારણા ?

GST પર ‘આફત સેસ’ નામે ઉપકર લાદવા કેન્દ્રની વિચારણા ?
નવી દિલ્હી, તા. 23:  કેરળમાં ’18ના પૂર બાદ ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા ડિઝાસ્ટર રીલીય સેસ (ઉપકર)ના ધોરણે કેન્દ્ર સરકાર, કોરોના મહામારીને નોતરેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા જીએસટી પર કુદરતી આપત્તિ ઉપકર - કેલેમિટી સેસ- લાદવા વિચારી રહી હોવાનું જાણવા મળતું હોવાનું એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાય છે. પાંચ ટકા સ્લેબમાંના જીએસટી સિવાય જીએસટીમાંથી અતિરિક્ત આવક ઉભી કરવાની દરખાસ્ત નાણાં મંત્રાલય સમક્ષ પડી છે. જો કે આ અખબારે કેરળ અને આસામના નાણાં મંત્રીઓનો આ બારામાં સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આવું (સૂચિત) પગલું કંઈ સારો ખયાલ નથી કારણ કે ઉદ્યોગઆલમ ઓલરેડી જંગી કટોકટીનો સામનો કરી રહી છે. આ મુદ્દો, સંભવિતપણે થોડા જ સપ્તાહમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં ઉઠાવવામાં આવશે એમ સૂત્રો જણાવે છે.
જો કે આર્ટીકલ 279ની  સેકશન (4)(એફ)ની બંધારણીય જોગવાઈ ખપમાં લઈ આવો ઉપકર લાદનાર કેરળ એકમાત્ર રાજ્ય છે. આ જોગવાઈ કોઈ કુદરતી આપત્તિ કે આફત દરમિયાન, ચોક્કસ સમયાગાળા માટે ખાસ દરના અતિરિક્ત સ્રોતો ઉભા કરવા સંદર્ભે છે.
કોઈપણ સપ્લાય પર પંદર ટકા એડ વેલોરમ (અંદાજિત મૂલ્યના આધારે)સુધીનો ઉપકર લાદવાની જીએસટી (રાજ્યોને વળતર), ધારો, 2017માં જોગવાઈ છે. દા.ત. કેરળે 12 ટકા, 18 ટકા અને 28 ટકાના વેરાવાળા માલસામાન અને સેવાઓના મૂલ્ય પર ’19ની 1 ઓગસ્ટથી બે વર્ષ માટે જીએસટી પર એક ટકાનો ઉપકર લેવો શરૂ કર્યો છે. આસામની ભાજપી સરકારના નાણાં મંત્રી હિમન્તા બિશ્વાસ શર્મા(જેઓ જીએસટી કાઉન્સિલના સભ્ય પણ છે)એ જણાવ્યું હતું કે ‘કોઈ પણ ઉપકર માટે પરિસ્થિતિ ઉચિત નથી. પગારકાપ, છટણી વચાળે ઉદ્યોગઆલમ કોઈપણ ઉપકરના મૂડમાં નથી.’
મંત્રીશ્રીએ જો કે એવી ટકોર કરી હતી કે મદ્યાર્ક અને તમાકુ જેવા સિન ગુડ્ઝ (અનિષ્ટ સામાન)પર ઉપકર લાદવાની દરખાસ્ત કદાચ વિચારી શકાય.
શર્માએ વધુમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ સુધરી રહી છે કારણ કે મારા રાજ્યમાં, પૂર્ણ લોકડાઉન દરમિયાન 20 ટકા રહેલી જીએસટી વસુલાત હવે વધીને પચાસ ટકા થયું છે અને એ આવતા મહિને 80 ટકાએ જવા ધારણા છે.
સૂચિત પગલા વિશે કેરળના નાણાં મંત્રી થોમસ ઈસાકે જણાવ્યું હતુ કે રાજ્યો જીએસટી એકઠો કરી શકતા નથી તો અતિરિક્ત ઉપકર કઈ રીતે નાખી શકે. આ સ્થિતિમાં એકમાત્ર માર્ગ છે રાજકોષીય ખાધ ભણી વળવાનો અને કોર્પોરેટ સેકટરને આપેલી છૂટછાટો પાછી લઈ લેવાનો. કેન્દ્ર સરકારે રાજ્યોને ભંડોળ પૂરું પાડવા આરબીઆઈ પાસેથી ઉછીના લેવા.
દરમિયાન સૂત્રો એવો સંકેત આપે છે કે પડતર વળતર માટેની રાજ્યોની માગનો પ્રતિસાદ કેન્દ્ર તૈયાર કરે પછી જ જીએસટી કાઉન્સિલની આગામી બેઠક યોજાશે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને ચાલુ સપ્તાહે જણાવ્યું હતું કે ડિસે.થી માર્ચ સુધીના 4 માસ માટે તમામ રાજ્યો માટે જીએસટી વળતરનો સમય પાકી ગયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer