ગુજરાત કેન્સર હોસ્પિટલના ડોક્ટરો અને નર્સ સહિત 102ને કોરોના

( અમારા પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ, તા.23: સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલી કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર અને નર્સ સહિત 102 કર્મચારીનો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. 500 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં 600 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેથી ગુણોત્તર જોવામાં આવે તો પ્રતિ 6 દર્દીએ હોસ્પિટલના એક કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. જે અત્યાર સુધી ગુજરાતની તમામ મેડિકલ સેવાઓ આપતી હોસ્પિટલ માટે સૌથી મોટો આંકડો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્સર હોસ્પિટલમાં એચઆરડીથી લઇને તમામ સ્ટાફકર્મી કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાં 11 કર્મીઓ રેડિયોથેરાપી, એનેસ્થેશિયા, મેડિકલ ટ્રાયલ અને ન્યુરો સર્જરી વિભાગનાં ફેકલ્ટી છે. 25 રેસિડેન્ટ ડોકટર, 27 સ્ટાફ નર્સ, 21 મેડિકલ હેલ્પર્સ, 7 મેડિકલ ટેક્નિશ્યન અને અન્ય 6 વ્યક્તિઓ સ્ટોર અથવા લેબમાં કામ કરવાવાળા છે. જ્યારે 5 વ્યક્તિ હોસ્પિટલના એચઆરડી વિભાગના છે.લોકડાઉનના સમય દરમિયાન પણ દરરોજ 50થી 60 દર્દીઓ કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં આવતા હતા. આવા સમયે જો હોસ્પિટલનો સ્ટાફ જ કોરોના પોઝિટિવ હોય તો તે ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલ સિવિલમાં 1200 બેડ છે. જેના અત્યાર સુધીમાં 60 અને એસવીપી હોસ્પિટલમાં માત્ર 10 જ સ્ટાઝ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે ત્યારે કેન્સર હોસ્પિટલનો આ આંક બહુ મોટો છે.
મહત્ત્વનું છે કે ગત રોજ દર્દીઓની સારવાર અંગેની બેદરકારી સંદર્ભે હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી ત્યારે ફરીથી આવી બેદરકારીમાં દર્દીઓ તો ઠીક પરંતુ તેમને સારવાર આપતા ડોક્ટરો - નર્સ સહિત કર્મચારીઓ પણ સલામત નથી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer