સહકારી બેંકોની લોન લેવા સાત કોઠા વિંધવા પડે તેવી સ્થિતિ

યહ લોન નહીં આસાન બસ ઇતના સમજ લિજીયે
આકરાં નિયમો લોન લેનારે પાળવા પડશે- સધ્ધર જામીન અને સભાસદ મુદ્દે મોટાંભાગના લોન ઇચ્છુકોને મુશ્કેલી પડશે
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.23: આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં એક લાખ રુપિયા સુધીની લોન પર 6 ટકા સબસીડી જાહેર કરીને જરુરિયાતમંદ નાના વેપારીઓને 2 ટકાએ લોનનો માર્ગ મોકળો કરી આપ્યો છે. પરંતુ આ માર્ગમાં વિધ્નો ઘણા આવશે. સહકારી બેંકો થાપણદારોના નાણાની સલામતી માટે આકરી શરતો સાથે જ લોન આપવાની છે. આ સ્થિતિમાં સરકારે 10 લાખ લોકોને લોન મળશે તેવો લક્ષ્યાંક રાખ્યો છે તે દિવાસ્વપ્ન બની રહેશે. સરળતાથી લોન મળી જશે અને ધંધો ચાલવા લાગશે એવી માનસિકતામાંથી લોકોએ પણ બહાર આવી જવાની જરુર છે.
એક સહકારી અગ્રણી કહે છે, લોન કોને અને કેવી રીતે તથા કેટલી રકમની મળશે તેની પૂરી જાણકારી કોઇ જાહેર કરતું નથી. લોન લેવા જાય તેને જ ખ્યાલ આવે છે. સૌપ્રથમ તો એક લાખની લોન મળશે એવું નથી. લોન ચાર તબક્કામાં 25 હજાર, 25થી 50 હજાર, 50થી 75 હજાર અને 75 હજારથી 1 લાખ રુપિયા સુધી બેંક લોન લેનારની સ્થિતિ પ્રમાણે આપશે. લોન કોને આપવી તે બેંકના અધિકારીઓ અને બોર્ડની નીતિ ઉપર આધાર રાખશે. સહકારી બેંકો ડિપોઝીટરોના પૈસા 2 ટકાએ આપવાની છે. વળી 6 ટકાની સબસિડી સીધી લોન લેનારના ખાતામાં જમા થવાની છે એટલે નાણાની સલામતીના પૂરતાં દસ્તાવેજો લેવામાં આવશે. એમાં બે જામીન ખૂબ આવશ્યક છે. આ જામીન જેતે બેંકના સભાસદ હોવા જ જોઇશે. બેંકો જામીન માટે મિલકત માગી શકે છે પણ એ ફરજિયાત નથી.
લોન લેનારને જે તે બેંકના સભાસદ બનવું પડશે એવા નિયમની ચર્ચા છે. પરંતુ કોઇ ખાસ સંજોગમાં સભાસદ બનાવી પણ દેવાય છતાં જેતે બેંકમાં હયાત સામાન્ય સભાસદના 20 ટકાથી વધારે સભાસદો નવા ન ઉમેરી શકાય એવો ય નિયમ છે. રિઝર્વ બેન્કની મંજૂરી એ માટે માગવામાં આવી છે.
જોકે લોન લેનારને સૌથી મોટી સમસ્યા જામીન અને સભાસદને લગતી પડવાની છે એમ સહકારી અગ્રણીઓ કહે છે. લોન લેનાર વ્યક્તિ નાનો વેપારી, ફેરિયો કે રેંકડીવાળો પણ હોઇ શકે છે ત્યારે તેના આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ અને તેની ઓળખના પૂરાવાની પણ સમસ્યા થવાની છે. સબસીડી લોન લેનારને મળવાની છે એટલે જે તે બેંકમાં ખાતું પણ ખોલાવવું પડશે. લોન પાત્ર થાય તો તે નાણા પાછાં કેવી રીતે આપી શકશે તેની આવકના પૂરાવા સાથે બાંહેધરી પણ ફરજિયાત બની ગઇ છે. એ માટે જામીન આપ્યા હોય તે આર્થિક રીતે સધ્ધર ન હોય તો પણ સમસ્યા થશે.
નાના વેપારી કે ફેરિયા માટે કોઇ સભાસદ જામીન બનવા તૈયાર થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
વળી, લોન માત્ર ધંધાદાર કે નાના વેપારીને મળે એવું ય નથી. પેરોલ પર કે કાયમી કર્મચારી ન હોય તેવા નોકરીયાતને પણ બેંક આપી શકે છે. જોકે તેના માટે પૂરતા દસ્તાવેજો જરુરી છે. પગારદાર વર્ગને બેંકો લોન આપવાની નથી.
દરમિયાન બેંકોએ લાગતી લાંબી લાઇનો સતત ત્રીજા દિવસે પણ જળવાઇ રહી હતી. ઓનલાઇન  ફોર્મ ઉપલબ્ધ બનાવાયા છે પણ લોકો ફિઝીકલ ફોર્મનો આગ્રહ રાખી રહ્યા હોઇ મુશ્કેલી પડી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer