ટેલિ કંપનીઓની પ્રીપેડ રીચાર્જ વેલિડિટી લંબાશે !

નવી દિલ્હી, તા. 30: કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં 21 દિવસનાં લોકડાઉનની અમલવારી થઈ રહી છે. આ દરમિયાન હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ તમામ ટેલિકોમ કંપનીઓને પોતાના પ્રીપેડ રીચાર્જની વેલિડિટી વધારવા માટે કહ્યું છે. ટ્રાઇએ રીલાયન્સ જીયો, ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા અને બીએસએનએલને કહ્યું છે કે પોતાના પ્રીપેડ પેકની વેલિડિટી લંબાવે જેથી લોકડાઉન વચ્ચે પ્રીપેડ યુઝર્સને કોઈપણ ખલેલ વિના વોઇસ અને ડેટા સર્વિસ મળતી રહે. એક અખબારના અહેવાલ પ્રમાણે ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને એક પત્ર લખ્યો હતો. જેમાં ટેલિકોમ કંપનીઓને તમામ જરૂરી પગલાં ભરવા માટે કહ્યું હતું.
 
ઈન્ટરનેટ સ્પીડમાં 20 ટકા ઘટાડો
નવી દિલ્હી, તા. 30 : દેશભરમાં કોરોના પ્રેરિત લોકડાઉનના પગલે લોકો ઘરોમાં જ રહેતા હોવાથી મોબાઈલ, બ્રોડબેન્ડ સુવિધાનો વપરાશ વધી જતાં ઈન્ટરનેટની સ્પીડમાં 20 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. કંપનીઓ કહે છે કે એક અભ્યાસ અનુસાર લોકડાઉન દરમ્યાન વીડિયો જોવાનું પ્રમાણ 30 ટકા જેટલું વધ્યું છે. હજુ એક પખવાડિયા જેટલો ગાળો બાકી હોવાથી ઈન્ટરનેટની સ્પીડમાં વધુ 2પથી 30 ટકા ઘટાડો આવી શકે છે, તેવું તજજ્ઞો જણાવે છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાજેશ દવરિયાએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહો દરમ્યાન ડેટા વપરાશમાં અધિક ઉછાળો આવી શકે છે.
 
બીએસએનએલનાં તમામ સિમકાર્ડમાં 10-10 રૂપિયા જમા કરાવાશે
નવીદિલ્હી, તા.30 : કોરોના વાયરસનાં સંકટ અને લોકડાઉનનાં કારણે દેશમાં સામે આવી રહેલી શ્રમિકોની હિજરત સહિતની કેટલીક સમસ્યાઓમાં સરકાર શક્ય તમામ ઉકેલ કાઢવા પ્રયાસરત છે. જેમાં હવે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે એવું એલાન કર્યુ છે કે બીએસએનએલનાં સિમ કાર્ડમાં 30 માર્ચથી 10-10 રૂપિયા જમા કરાવવામાં આવશે. સાર્વજનિક ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા 20 માર્ચ સુધી કોઈ જ પ્રીપેઈડ સિમ કાર્ડને બંધ કરવામાં નહીં આવે. આટલું જ નહીં પણ બેલેન્સ ન હોવાનાં કારણે કોઈને કોલ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે તમામ કાર્ડમાં 10-10 રૂપિયા જમા પણ કરાવવામાં આવશે. જેથી જરૂરિયાતમંદોને કોઈ જ તકલીફ ન થાય.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer