ડર અને દહેશત કોરોનાથી પણ મોટી સમસ્યા: સુપ્રીમ કોર્ટ

ડર અને દહેશત કોરોનાથી પણ મોટી સમસ્યા: સુપ્રીમ કોર્ટ
કોર્ટે શ્રમિકોના પલાયનને રોકવા થયેલી કાર્યવાહીનો કેન્દ્ર પાસેથી રિપોર્ટ માગ્યો: આજે વધુ સુનાવણી
નવી દિલ્હી, તા.30 : સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના પ્રકોપથી સર્જાયેલી દહેશત અને લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં શ્રમિકોની હિજરતની સ્થિતિને રોકવાના ઉપાય અંગે સોમવારે કેન્દ્ર સરકાર પાસે પરિસ્થિતિનો રિપોર્ટ માગ્યો હતો. શીર્ષ અદાલતે ટીપ્પણી કરી હતી કે દહેશત અને ભયના કારણે મોટી સંખ્યામાં શ્રમિકોનું પલાયન કોરોના વાયરસથી પણ મોટી સમસ્યા બની રહ્યું છે. દિલ્હીથી પલાયન કરી રહેલા લોકો માટે પુરતી સુવિધાની માગ કરતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ અરજીને વિરોધાત્મક નથી માની રહી. પરંતુ અરજીનો એવો પ્રચાર ન થવો જોઈએ કે સુપ્રીમ કોર્ટ પલાયનને મંજૂરી આપવા માટે કોઈ ઉપાય શોધશે. પલાયન તો રોકવું જ પડશે. હવે અરજી ઉપર વધુ સુનાવણી મંગળવારના રોજ થશે.
સીજેઆઈ એસએ બોબડે અને ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની પીઠે આ મામલે વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી વચ્ચે કોઈ નિર્દેશ આપીને કોર્ટ ભ્રમ પેદા કરવા નથી માગતી. પીઠે કામદારોના પલાયનથી ઉદભવેલી સ્થિતિ અંગે જનહિતની અરજી દાખલ કરનારા અધિવક્તા અલખ આલોક શ્રીવાસ્તવ અને રશ્મિ બંસલને કહ્યું હતું કે આ મામલે કેન્દ્રની સ્થિતિ રિપોર્ટની રાહ જોશે.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે, કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકોના પલાયનને રોકવાની જરૂર છે. આ મામલે કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોએ જરૂરી પગલાં લીધા છે. ખંડપીઠે દલીલો સાંભળ્યા બાદ અરજીને મંગળવાર માટે સુચિબદ્ધ કરી હતી. વિભિન્ન રાજ્યોએ પોતાના ક્ષેત્રોમાં અન્ય રાજ્યોની સરહદ સીલ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન દિલ્હી સરકારે કહ્યું છે કે હરિયાણા અને પંજાબથી શ્રમિકોનું પલાયન યથાવત છે. દિલ્હી સરકાર પહેલા પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે દિલ્હીની સરહદે એકત્રિત થયેલા હજારો શ્રમિકોમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી પલાયન કરવા આવેલા લોકો સામેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer