કેસર કેરી ભરવા બોક્સની અછત સર્જાવાની ભીતિ

કેસર કેરી ભરવા બોક્સની અછત સર્જાવાની ભીતિ

એપ્રિલના અંતથી સીઝન શરૂ થઇ જશે પણ બોક્સ બનાવતા કારખાના બંધ, કિસાનોમાં ચિંતા
તાલાલા. તા.30:(ફૂલછાબ ન્યૂઝ) કોરોના કહેરનો લોકડાઉન પૂરો થશે ત્યાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત અને મધુર કેસર કેરીની સીઝન ઢૂંકડી આવી ગઇ હશે. આ વર્ષે પાક પાણી પણ સારાં છતાં કેસર કેરી જે બોક્સમાં પેક કરીને વેંચવામાં આવે છે તે બોક્સ બનાવવાના કારખાના લોકડાઉનને લીધે બંધ રહેતા કિસાનોને ચિંતા થવા લાગી છે. સીઝનમાં રોજ ત્રણથી ચાર લાખ બોક્સની જરૂરિયાત રહે છે પણ અત્યારે તે ઉપલબ્ધ નહીં બનવાનો ભય છે. બોક્સ નહીં મળે તો કેવી રીતે કેસર કેરી વેંચીશું તે પ્રશ્ન સર્જાયો છે. બોક્સના કારખાના ચાલુ કરવા માટે સરકાર સમક્ષ માગણી થવા લાગી છે.
તાલાલા પંથકના ખેડૂતો કહે છે, મે માસના આરંભે કેસર કેરીનો પાક બજારમાં આવે છે. બોક્સમાં ભરીને વેચાણ માટે ખેડૂતો તાલાલા, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાં જાય છે પણ આ વખતે બોક્સનું ઉત્પાદન કરનારા કારખાના લોકડાઉનને લીધે બંધ છે. ખાલી બોક્સ ન મળે તો બજારમાં માલ કેવી રીતે લઇ જવો તે સમસ્યા છે.
તાલાલા ઉપરાંત ઉના, કોડીનાર, ગીર ગઢડા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ પુષ્કળ આવકો થતી હોય રોજ લાખો બોક્સની જરૂર પડે છે. સીઝન પુરબહારમાં શરૂ થાય ત્યારે રોજ ત્રણથી ચાર લાખ બોક્સની આવશ્યકતા રહેતી હોય છે. એ બનતા નહીં હોવાથી આફત સર્જાય તેમ છે.
કિસાનો કહે છે, ખાલી બોક્સ માટે બે માસ અગાઉથી કારખાના કાર્યરત થઇ જાય છે. ત્યારે માંડ માંડ જથ્થો પૂરો પડે છે. આ વર્ષે અઠવાડિયાથી કારખાના બંધ છે. હવે લોકડાઉન 14 એપ્રિલ સુધી છે. એ પછી કેટલું લંબાશે તે કહેવાય તેમ નથી એટલે બોક્સની સમસ્યા સર્જાય તેમ છે. ખેડૂતોએ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer