રાજકોટના 10 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 20 કેસ

રાજકોટના 10 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 20 કેસ
રાજકોટ-10, ભાવનગર-6, પોરબંદર-1, ગિર સોમનાથ-2,  કચ્છમાં-1 દર્દી આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ
    કેસોની વધતી સંખ્યાથી ચિંતા:
            ઘરમાં રહો-સલામત રહો
રાજકોટ, તા. 30 : સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વિસ્તરી રહ્યો છે. ભાવનગરમાં એક જ દિવસમાં પાંચ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ અને નગરજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જ્યારે કોરોના વૃધ્ધોને વધુ અસર કરતો હોવાની વાતને ભ્રાંતિ સાબિત કરતા રાજકોટમાં ર8 વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઉતરોત્તર વધતા કોરોનાના કેસને લઈને લોકડાઉનનો સખ્તાઈથી અમલ થાય અને લોકો ઘરમાં જ રહે તે ફરજિયાત બન્યું છે.
ભાવનગર: ભાવનગરમાં રવિવારની રાત્રે કોરોનાના 11 રિપોર્ટમાંથી છ નેગેટિવ અને મોડી રાત્રે પાંચ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ પાંચ કેસ વડવા, રાણીકા, ઘોઘારોડ, શિશુવિહાર જેવા ગીચ વિસ્તારના દર્દી હોવાથી સ્થિતિ ગંભીર થઈ છે અને તંત્રમાં હડકંપ મચી ગયો છે. તંત્રએ મોડી રાત્રે જ માઈક દ્વારા આ વિસ્તારોમાં પોઝિટિવ કેસની માહિતી આપી લોકોને ઘરમાં જ રહેવા સાવચેત કર્યા હતા. ભાવનગરમાં 70 વર્ષના એક વૃધ્ધનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. જ્યારે હાલ 400 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઈન રખાયા છે.
રાજકોટ: રાજકોટમાં આજે 1ર દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે ર8 વર્ષના એક યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ કુલ દર્દીની સંખ્યા 10 થઈ છે. શહેરમાં ફિલ્ડમાર્શલ રોડ સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતો આ દર્દી અમદાવાદ નોકરી કરે છે. ર0મીએ તે અમદાવાદથી રાજકોટ આવ્યો હતો. રપમીએ તેને લક્ષણો દેખાયા હતા. ર9મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કથી તેને ચેપ લાગ્યાની શંકા છે. કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીના બીજા રિપોર્ટમાં પણ લક્ષણો દેખાતા હજુ સારવાર  ચાલુ છે
ઈમર્જન્સી માટે રાજકોટ જિલ્લાના 463 હોલ અને જ્ઞાતિઓની વાડી સરકાર દ્વારા આરક્ષિત રખાઈ છે.
વેરાવળ: વેરાવળ સિવિલમાં સારવાર લઈ રહેલા ચાર દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ છે. જ્યોર ગીર સોમનાથમાં લોકડાઉનથી મુક્તિ આપતા 1894 પાસ તંત્રએ ઈસ્યુ કર્યા છે.
પોરબંદર: પોરબંદરમાં 10 ક્વોરન્ટાઈન સેન્ટરમાં હાલ110 લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. 4.68 લાખ વ્યક્તિનો સર્વે કરાયો છે. જ્યારે 46 એનજીઓ દ્વારા ર0 હજારથી વધુ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું છે.
દીવ : હરિદ્વારથી દીવના સાતેક જેટલા યાત્રાળુઓ પરત ફરતા દીવ પ્રસાશન દ્વારા તેમના સેમ્પલ મેળવી 14 દિવસ ક્વોરન્ટાઈન રખાયા છે.
દ્વારકા: દ્વારકા જિલ્લામાં ચાર તાલુકામાં 800 બેડ સાથે  ક્વોરન્ટાઈન અને 6પ બેડ સાથે 10 વેન્ટિલેટર સહિતની સુવિધાયુક્ત કેન્દ્રો સજ્જ  કરાયા છે. હાલમાં 36ર વ્યક્તિ હોમ ક્વોરન્ટાઈન અને પાંચ વ્યક્તિ ક્વોરન્ટાઈન છે. વિદેશથી વહાણ મારફત પરત ફરેલા 130 વ્યક્તિઓ 8 બોટમાં ક્વોરન્ટાઈન છે. જેમને તંત્ર દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા પુરી પડાય છે.
જેસર: જેસર તાલુકાના ચોક ગામે બહારથી આવનાર વ્યક્તિ માટે પ્રવેશ બંધ છે. મહાનગરોમાંથી ગામડે આવતા વ્યક્તિઓ ચેપ ન લગાડે તે માટે આ પ્રબંધ કરાયો છે.  1પ હજારની વસતી ધરાવતા જેસરકાં સફાઈ અને દવા છંટકાવ અને મજૂરો માટે આવશ્યક પ્રબંધ કરવાની માગ ઉઠી છે.
મોરબી: મોરબીમાં અગાઉ આઈસોલેશનમાં ખસેડાયેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આજે મોરબીમાં બે શંકાસ્પદ દર્દીઓને આઈસોલેશનમાં ખસેડાયા છે.
જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર68 લોકોને હોમ ક્વોરન્ટાઈન રખાયા છે. જ્યારે 11પ લોકોએ 14 દિવસનો હોમ ક્વોરન્ટાઈન તબક્કો પુરો કર્યો છે. આજે ગીર સોમનાથથી એક દર્દીને જૂનાગઢ ખસેડાતા તેનું સેમ્પલ પરીક્ષણમાં મોકલાયુ છે. જૂનાગઢમાં સેવાના નામે બહાર નીકળી પડવા મહાપાલિકામાં પાસ મેળવવા પડાપડી થઈ રહી છે. જો કે મ્યુનિસિપલ કમિશનરે પાસ વિતરણ બંધ કર્યુ છે.
સુરત: સુરતના રાંદેર વિસ્તારના 67 વર્ષના પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ વૃધ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તે લોન્ડ્રીની દુકાન ધરાવે છે. લોકલ ટ્રાન્સમીશનને લીધે તેને કોરોનાનો ચેપ લાગુ પડયાનું જણાઈ રહ્યુy છે. આ સાથે સુરતમાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા 9 થઈ છે.
અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે 34 વર્ષની યુવતીને કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ રજા અપાઈ હતી. ત્યારે આજે 6ર વર્ષના મહિલા અને 6પ વર્ષના પુરૂષ દર્દી પણ કોરોનામાંથી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ અંગેની જાણકારી આરોગ્ય વિભાગે ટ્વીટર થકી આપી છે. ઘરે પહોંચેલી 34 વર્ષની યુવતીનુ રહેવાસીઓએ શંખ વગાડીને તેમજ થાળી વગાડીને સ્વાગત કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer