ભાવનગરમાં એકસાથે 5 પોઝિટિવ, તમામ કેસ સ્થાનિક સંક્રમણના

ભાવનગરમાં એકસાથે 5 પોઝિટિવ, તમામ કેસ સ્થાનિક સંક્રમણના
અમદાવાદ, તા. 30: રાજ્યમાં કોરોનાનો ચેપ વેગ પકડી રહ્યો છે. આજે એક જ દિવસમાં ભાવનગરમાં પાંચ, અમદાવાદ, સુરત અને રાજકોટમાં એક-એક મળીને કુલ 8 નવા દર્દી કોરોનાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે. ભાવનગરમાં તમામ પાંચ કેસ સ્થાનિક સંક્રમણથી થયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના પીડિત દર્દીઓની સંખ્યા 71 થઈ છે. આજે ભાવનગરના જેસરમાં કોરોના પીડિત એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યના 71 લોકોમાં કોરોનાનો ચેપ ફેલાયો છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, 71 પોઝિટીવ કેસમાં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. જ્યારે 35 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટીવ કેસના 3 થી 5 કિ.મી.ના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગઈકાલથી અત્યારસુધીમાં નવા 87 કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ ભાવનગરમાં અને અમદાવાદ, રાજકોટ તથા સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. સુરતમાં 67 વર્ષીય પુરૂષ લોકલ સંક્રમણના કારણે કોરોના પોઝિટીવ બન્યો છે. રાજકોટમાં 28 વર્ષનો યુવાન અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કથી વાહક બન્યો છે. જ્યારે અમદાવાદના 35 વર્ષીય પુરૂષ અમેરિકાથી આવ્યો હતો અને તેનો કેસ પોઝિટીવ આવ્યો છે. ભાવનગરમાં 5 પોઝિટીવ કેસ પુરૂષના અને તેઓ લોકલ સંક્રમણમાં આવ્યા છે. ગુજરાતમાં 71 પોઝિટીવ છે, જેમાંથી 6 લોકોના મોત થયા છે. 65 લોકો હોસ્પિટલમાં હતા. તેમાં 4 દર્દી સાજા થઈ ગયા છે, 2 લોકો હજુ વેન્ટિલેટર પર છે. જ્યારે 58 સ્ટેબલ છે. ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં ચાર કેસ શહેરના અને 1 કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટીવ કેસ 1 થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરના આ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નોંધનીય છે કે 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાયરસથી એક દર્દીનું મોત નિપજયું હતું અને શહેરના આ 4 લોકો મૃતકના સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એક સાથે 5 પોઝિટીવ કેસ આવતા 100 થી વધુ લોકોને હોમ કવોરોન્ટાઈન કરવામાં આવશે.
રાજ્યમાં હવે અમદાવાદમાં સૌથી વધુ 23 પોઝિટીવ કેસો નોંધાયા છે. જ્યારે સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 9-9 કેસ, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 તમેજ કચ્છ, મહાસાણા અને પોરબંદરમાં 1-1 કેસ પોઝિટીવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1321 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાંથી 70 પોઝિટીવ અને 1244 નેગેટીવ આવ્યા છે. જ્યારે 7 કેસ પેન્ડીંગ છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer