લોકડાઉન લંબાવવાની સરકારની કોઇ યોજના નથી

લોકડાઉન લંબાવવાની સરકારની કોઇ યોજના નથી
દેશબંધી 14 એપ્રિલથીયે વધુ આગળ લઇ જવાશે તેવા અહેવાલો નકારતા કેબિનેટ સચિવ
નવી દિલ્હી, તા. 30: કોરોનાવાઈરસ ફેલાતો ડામવા લાગુ કરાયેલુ 21 દિવસનું લોકડાઉન લંબાવાય તેવી અફવાઓ અને મીડિયામાંના અહેવાલો પાયાવિહોણા હોવાનું સરકારે આજે ભારપૂર્વક જણાવ્યુ હતું. વતન પહોંચવા હિજરતીઓએ મસમોટી સંખ્યામાં કરેલો ધસારો તથા ખોરાક અને આશ્રય માટે તેઓ મરણિયા થયા તેનાથી ચેપ લાગવાનો તોળાયેલા ખતરાથી ચિંતિત થઈ સરકાર લોકડાઉન વિસ્તારવાની ચર્ચા કરી રહી હોવાનો દાવો એક અહેવાલમાં કરાયો છે.(તા.24થી શરૂ થયેલું રાષ્ટ્રીય લોકડાઉન 14 એપ્રિલે પૂરું થશે)
કેબિનેટ સચિવે આવા અહેવાલોને પાયાવિનાના ગણાવી નકાર્યાંનુ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ ટવીટ કર્યુ છે. સરકાર સંચાલિત બ્રોડકાસ્ટર પ્રસારભારતીએ ય તેને બનાવટી સમાચાર ગણાવી નકાર્યા છે. એક સમાચાર એજન્સીએ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને કહેતા ટાંકયા છે કે ‘આવા અહેવાલોથી અચરજ થાય છે, લોકડાઉન લંબાવવાનું કોઈ આયોજન નથી.’
સરકારમાંના ટોચના સૂત્રો જણાવે છે કે આગામી સપ્તાહમાં સરકાર પરિસ્થિતિનું વાજબી ઢબે આકલન કરી શકશે અને આ બીમારી સાથે કામ પાડવા સંકલિત અભિગમ અંકે કરવા તેવા એરીઆને ઓળખી કઢાશે અને આઈસોલેટ કરાશે.
ગયા સપ્તાહે જીવનાવશ્યક ચીજવસ્તુઓ અને ખોરાકનો પુરવઠો જાળવવાનું તથા વતન જવાને હિજરતીઓએ મસમોટી સંખ્યામાં કરેલા ધસારા આ મહામારી સામેની લડતના સૌથી મોટા પડકાર બની રહ્યા હતા. ખરીદી કરવાને દુકાનોમાં અને વતન જવાને રાજયોની સરહદોએ મોટા ટોળાઓ ઉમટતાં, મહામારીનો ફેલાવો ડામવાના અપનાવાયેલા સોશ્યલ ડિસ્ટન્સિંગનો હેતુ માર્યો ગયો હતો. ખાસ કરી દિલ્હી, યુપી, બિહારની સરકારોએ બદતર હિજરતી ટ્રાફિકનો સામનો કરવાનું આવ્યુ હતું.
 
કટોકટીની અફવા: સેનાનું ખંડન
કટોકટી લાદવાના વાયરલ મેસેજને અફવા ગણાવતી સેના
નવીદિલ્હી, તા.30: કોરોના વાયરસ સામેની લડતમાં દેશમાં માહોલ ખરાબ કરે તેવી અફવાઓનું બજાર પણ ગરમ છે. જેમાં હવે ભારતીય સેનાએ પણ સ્પષ્ટતા આપવી પડે તેવા ગંભીર ઘટનાક્રમો બન્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ બનેલા એક મેસેજમાં એવી અફવા ફેલાઈ રહી હતી કે એપ્રિલ માસમાં દેશમાં કટોકટી લાદીને સેનાને રસ્તાઓ ઉપર ઉતારી દેવામાં આવશે. જો કે હવે સેનાએ જ આ વાતનું ખંડન કર્યું છે અને આને નિરાધાર વાત ગણાવી હતી.
સેનાએ ઈમરજન્સીના વાયરલ મેસેજને ખોટો ગણાવતાં ટ્વિટર ઉપર લખ્યું છે કે, બનાવટી અને ખોટા સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહ્યા છે. એપ્રિલના મધ્યભાગમાં દેશમાં સેના, પૂર્વ સૈનિકો અને એનએસએસની મદદથી આવું કરવામાં આવશે તેવા તદ્દન પાયાવગરના મેસેજ ફેરવવામાં આવી રહ્યા છે.
ભારતમાં હજુ કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો નથી
નવી દિલ્હી તા. 30 :  કોરોના વાયરસના વધી રહેલા કહેર સામે આજે કેન્દ્રના આરોગ્ય મંત્રાયલયે દેશ સામેની સ્થિતિ કોમ્યુનિટી સંક્રમણના તબક્કે પહોંચી ન હોવાની હૈયાધારણ આપવાની સાથોસાથ હાલના લોકડાઉન સહિતના પગલાંના ચુસ્ત રીતે પાલનની ભારપૂર્વક હિમાયત કરી હતી.  કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ભારતમાં કોરોનાનું સંક્રમણ હજી લોકલ એટલે કે સ્થાનિક ટ્રાન્સમિશનના તબક્કે હોવાની સ્પષ્ટતા કરી છે.
વાયરસના ચેપ અંગે ચાલતી અલગ અલગ પ્રકારની અફવાઓ અને આશંકાઓનો એક રીતે જવાબ આપતાં કેન્દ્રના આ અધિકારીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યંy હતું કે હાલે તો એવી સ્થિતિ છે કે જો અમે કોઇ સરકારી દસ્તાવેજમાં કોમ્યુનિટી શબ્દનો ઉલ્લેખ કરીએ તો તેનો બીજો અર્થ કાઢવામાં આવે છે.  મેં મર્યાદિત સંદર્ભમાં એક જગ્યાએ કોમ્યુનિટી શબ્દનો ઉપયોગ કર્યો તેમાં તેનો ખોટો અર્થ કરાયો છે.  આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત હજી પણ મર્યાદિત ટ્રાન્સમિશનના તબક્કામાં છે.
આ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે જો લોકડાઉનનું માન નહીં રાખીએ તો કોરોના સામેનો જંગ હારી જઇશું. ભારતમાં સંક્રમણના કેસમાં ઉછાળાના સંદર્ભમાં વ્યક્ત કરાઇ રહેલી આશંકા અંગે લવ અગ્રવાલે સ્પષ્ટ કર્યું હતુંકે આપણા દેશમાં સંક્રમણના 100 કેસમાંથી 1000 કેસ થવામાં 12 દિવસનો સમય લાગ્યો છે.  જ્યારે આજ સમયગાળામાં અન્ય દેશ જે વિકસિત અને ઓછી વસ્તી ધરાવે છે ત્યાં કેસની સંખ્યા આઠ હજારને આંબી ગઇ છે.
ભારતમાં ઉચાટ વચ્ચે સારા સમાચાર, 100 દર્દી સાજા
નવી દિલ્હી, તા. 30 : ભારતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં ઉચાટ વચ્ચે થોડા સારા કહી શકાય તેવા સમાચારમાં દેશમાં 100 દર્દી કોરોનામુક્ત થઇ જતાં રજા આપી દેવાઇ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર   દેશભરના કુલ એક હજારથી વધુ દર્દીમાં 49 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
કેરળમાં સૌથી વધુ 194 દર્દીમાં 19 દર્દી ઠીક થઇ ચૂકયા છે, તો મહારાષ્ટ્ર એવું બીજું રાજ્ય છે જ્યાં પણ 193 દર્દી છે.
આનંદની વાત એ છે કે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 25 દર્દી સાજા થઇ ચૂક્યા છે, તો હરિયાણામાં 33 કેસ નોંધાયા હતા જેમાંથી 17 કોરોના પીડિત દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.
ઉત્તરપ્રદેશમાં કોરોનાના 75માંથી 11 દર્દી આ મહામારીમાંથી મુક્ત થઇ જતાં ઘરે ગયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer