મોરબીમાં લોકડાઉનમાં જુગાર રમતા બે ઝડપાયા : આઠ ફરાર

મોરબી, તા.30 : લોકડાઉન હોવા છતાં મોરબીના બગથળા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા કાંતિલાલ રવજી ઉધરેજા અને શૈલેષ પ્રેમજી ઉધરેજાને ઝડપી લઈ રૂ.17,0પ0ની મતા કબજે કરી હતી જ્યારે ધનસુખ રામજી ચાવડા, જયેશ દેવજી ચાવડા, હેમુ દેવજી ચાવડા, પ્રકાશ કરશન ચાવડા, મુકેશ ડાયા ચાવડા, અતુલ ભુપત થોરિયા, યોગેશ અમૃત ઉર્ફે હકા મેરજા અને જયસુખ પ્રભુ ઉધરેજા નામના આઠ શખસો નાસી છૂટયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગનો પણ ગુનો નોધ્યો હતો.
લૂંટ પ્રકરણમાં વધુ રૂ.ર.40 લાખની મતા કબજે:  મોરબીના વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા અને પેંગ્વિન સિરામિકના સંચાલક હિતેષ લવજીભાઈ સરડવા નામના ઉદ્યોગપતિની આંખમાં મરચાની ભૂકી છાંટી રૂ.1પ.80 લાખની મતાની લૂંટ ચલાવી બે શખસો નાસી છુટયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન પોલીસે રાધનપુરમાં રહેતા અને હાલમાં મોરબીમાં સિલ્વર પાર્ક સોસાયટીમાં ભાડાનાં મકાનમા રહેતા ભરત દયારામ ચાવડા, વિક્રમ સુડા દીલેસા અને ચંદુ ઉર્ફે ચનો મોહન ભિલોટા નામના ત્રણ શખસોને ઝડપી લઈ રૂ.10 લાખની મતા કબજે કરી હતી. પોલીસે લુટારુ ત્રિપૂટીને આઠ દીવસના રીમાન્ડ પર લીધા હતા અને રાધનપુરના પ્રેમનગર અને સોલૈયા ગામેથી વધુ રૂ.ર.40 લાખની મતા કબજે કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
શખસની ધરપકડ: મોરબી-રમાં ભકિતનગર સોસાયટીમાં રહેતો શામજીભાઈ ભીખાભાઈ પરમાર નામનો શખસ એકટીવા લઈને નીકળતા ફરજ પરના પોલીસસ્ટાફે અટકાવતા ઝઘડો કરી ધમકી આપી હતી. આથી પોલીસે શામજી પરમાર વિરુધ્ધ ગુનો નોંધી એકટીવા કબજે કરી ધરપકડ કરવામાં આવી હતી.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer