ઝૂમાં ઘૂસેલો દીપડો નાસી છૂટયાનું અનુમાન : સર્ચ યથાવત

ઝૂમાં ઘૂસેલો દીપડો નાસી છૂટયાનું અનુમાન : સર્ચ યથાવત
અન્ય પ્રાણીઓની વર્તણૂક સામાન્ય જણાતા આજથી ઝૂ ખુલ્લું રાખવાનો તંત્રનો નિર્ણય : પાંજરા યથાવત રહેશે
રાજકોટ તા.18 : શહેરના પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં ગત રવિવારે રાત્રે ઘૂસી આવેલા દીપડાએ હરણનું મારણ કર્યા બાદ એ દીપડાને શોધવા માટે જંગલા ખાતાના સ્ટાફની સાથે મનપાના ઝૂ વિભાગની ટીમ દ્વારા બે દિવસથી સર્ચ ઓપરેશન ચાલુ છે છતાં હજુ સુધી દીપડાના કોઈ સગડ ન મળતાં તે અન્ય કોઈ રસ્તેથી બહાર નિકળી ગયો હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. જો કે, ઝૂનો સ્ટાફ કોઈપણ પ્રકારનું જોખમ લેવા ઈચ્છતો નથી, હજુ પણ ઝૂમાં 6 પાંજરા યથાવત રાખવામાં
આવ્યાં છે.
ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ હિરપરાના જણાવ્યાનુસાર ઝૂમાં ગત રાત્રિથી દીપડાની ઉપસ્થિતિના કોઈ એંધાણ દેખાયા નથી. ગત રાત્રે ઝૂના પ્રાણીઓની વર્તણૂક સામાન્ય જોવા મળી હતી, કોઈ રાની પશુ આસપાસ હોય તો ખાસ કરીને હરણોમાં વધુ ફફડાટ જોવા મળે છે પરંતુ એવું કઈ પણ નજરે ચડયું ન હતું છતાં આ વાતને 100 ટકા માની લેવી યથાયોગ્ય નથી. દીપડો ઝૂમાંથી નાસી છુટયો હોય તો તે ફરી આવી ચઢે તેવી પણ પૂરી શક્યતા છે આ બાબતને ધ્યાને લઈને ફોરેસ્ટ ખાતાના સ્ટાફ સાથે ઝૂના આશરે 25થી વધુ કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. ઝૂમાં પાંજરા યથાવત રાખવામાં આવ્યાં છે અને લાઈટ સહિતની વધારાની વ્યવસ્થા પણ
યથાવત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખરેખર ઝૂમાં ઘૂસેલો દીપડો નાસી છૂટયો હોય તો તે ક્યાં ગયો ? કઈ દિશામાં ગયો તે અંગે પણ તપાસ હાથ ધરવી જરૂરી છે. વનતંત્ર દ્વારા હવે દીપડાના ફૂટમાર્ક શોધવાનું કામ શરૂ કરાશે. જો કોઈને પણ આવા ફૂટમાર્ક મળે તો તે અંગેની જાણ વનતંત્રને કરવા પણ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે. અહીં એ પણ નોંધનીય છે કે, દર વર્ષે 7.5 લાખ આસપાસ સહેલાણીઓ ઝૂની મુલાકાત લે છે. ટિકિટની આવક પેટે તંત્રની તિજોરીમાં પોણા બે કરોડ આસપાસની રકમ જમા થાય છે.
આજથી ઝૂ શરૂ :સમયમાં થશે ફેરફાર
ઝૂમાં ઘૂસેલા દીપડો નાસી છૂટયો છે તે વાત પૂર્ણત: પૂરવાર થઈ નથી ત્યારે સહેલાણીઓ માટે ઝૂ ખુલ્લુ રાખવું કે કેમ ? તે અંગે મ્યુનિ.તંત્ર દ્વિધામાં છે. દરમિયાન આ અંગે ઝૂ સુપ્રિટેન્ડેન્ટ હિરપરાએ જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા વ્યવસ્થાની પૂરતી ચકાસણી બાદ આવતીકાલથી રાબેતા મુજબ ઝૂ શરૂ કરાશે. અલબત્ત, હાલ પૂરતા ઝૂના સમયમાં ફેરફારની વિચારણા છે. નિયત સમય કરતા અડધો કલાક વહેલુ ઝૂને બંધ કરી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે,  ટિકીટબારી સવારે 9થી સાંજે 6 સુધી ખુલ્લી રહે છે અને સાંજે 7 વાગ્યા સુધી લોકો ઝૂમાં લટાર મારતા હોય છે. હવે અંધારુ થાય તે પૂર્વે જ લોકોને ઝૂમાંથી બહાર ખસેડવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer