પ્રદ્યુમ્ન પાર્ક પ્રત્યેનું ‘પોતિકાપણું’ ક્યાંક જનતા ગુમાવી ન દે..!

પ્રદ્યુમ્ન પાર્ક પ્રત્યેનું ‘પોતિકાપણું’ ક્યાંક જનતા ગુમાવી ન દે..!
એ દીપડો છે, કોઈ ઈલેક્ટ્રોન કે માઈક્રોસ્કોપ વડે ન દેખાય તેવું નાનકડું જંતુ નથી કે તે નાસી છૂટયાના પુરાવા તંત્રને ન મળે
શહેરના પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં દીપડો ઘૂસી આવ્યાના સમાચારોએ લોકોની ઉંઘ હરામ કરી નાખી છે, ચોતરફ ડરનો માહોલ છવાઈ ગયો છે. દીપડાએ હરણનું મારણ કર્યુ અને હવે એ પાર્ક છોડી જતો રહ્યાનું મનપા અને વનવિભાગનું અનુમાન છે, ભગવાન કરે આ અનુમાન સાચુ પડે.. કારણ કે દીપડાએ જે ભયનો માહોલ ઉભો કર્યો તેના કારણે આ શહેરની જનતાના મનમાં પ્રદ્યુમ્ન પાર્ક પ્રત્યેનું ‘પોતિકાપણું’ ઓછું થઈ ગયાનું નજરે ચડી રહ્યું છે.
આખરે જીવ કોને વ્હાલો ન હોય,, રખે ને દીપડો ફરી ત્રાટકે તો..? એણે એવું કોઈ અભયવચન તો આપ્યું નથી કે, હું પાછો નહીં આવું ! ફોરેસ્ટ ખાતાના નિયમ મુજબ કોઈપણ રાની પશુ શહેરી વિસ્તારમાં આવી ચડે અને લોકો પણ જીવનું જોખમ ઉભુ થાય તો જ તેને ઠાર મારી શકાય છે, આ દીપડો તો ઝૂમાં આવ્યો છે તેને બેભાન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી પરંતુ એ કામ પણ જેટલુ ધારીએ એટલુ સહેલુ તો નથી. જે રીતે પેલી બિલાડીના ગળે ઘંટ બાંધવાનું કામ ઉંદરો માટે સહેલુ ન હતું કંઈક એવી જ સ્થિતિ ફોરેસ્ટ અને મનપાના ઝૂ વિભાગના અધિકારીઓની છે. આશ્ચર્ય એ વાતનું થાય છે કે, આટઆટલુ થવા છતાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના કાનમાં ખતરાનો ઘંટ કેમ ન વાગ્યો ? કોઈએ સ્થળ પર જઈને સ્થિતિનો તાગ કેમ ન મેળવ્યો ? અહીં તો ફોટોસેશન માટે શ્રેષ્ઠ લોકેશન પણ હતું.
રાજકોટ ઝૂએ સિંહોના બ્રિડીંગ માટે વૈશ્વિક કક્ષાએ નામના મેળવી છે પરંતુ ક્યાંકથી આવી ચડેલા એ દીપડાએ હવે ઝૂની પ્રતિષ્ઠાને દાવ પર લગાડી દીધી છે. ઘૂવડની ચોરી, ઘડીયાળોના અકાળે મોત, વાનરોની પલાયનવૃત્તિ, શ્વાનોના આતંકને તો ભૂલાવી પણ શકાય પરંતુ આ દીપડાએ ખરેખર લોકોને થરથરાવી નાખ્યાં છે.  એવું નથી કે, દીપડો પહેલી વાર ઝૂમાં ઘૂસી આવ્યો છે. દાયકા પહેલા પણ આવો જ એક ઘટનાક્રમ બનેલો, પાંજરુ ટપીને એક દીપડો નાસી છુટેલો અને એ સમયે જેમ ‘બગાસુ ખાતા પતાસુ’ મળી જાય તે રીતે ઝૂની આસપાસ તેને શોધવા નિકળેલા મનપાના અધિકારીઓને તેણે ઝૂમાં જ દર્શન થયાં હતાં.
ખેર ભૂતકાળને ગમે તેટલો ખોદીશું, આવનારા ભવિષ્યને રગદોળીશુ તો પણ વર્તમાનનો જે વાંક છે તેને નજરઅંદાજ ક્યારેય પણ કરી શકાશે નહીં. રાજકોટમાં ઝુની દર વર્ષે 7.50 લાખથી વધુ સહેલાણીઓ મુલાકાત લે છે અને તંત્રની તિજોરીમાં પોણા બે કરોડની આવક થાય છે ત્યારે મ્યુનિ.તંત્રની ફરજ બને છે કે, ટિકીટ ખર્ચીને અહીં આવતા સહેલાણીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરે. ઘોડા છૂટી ગયાં પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ રહેતો નથી અન્યથા એ સહેલાણીઓની સંખ્યાને ઘટતા વાર નહીં લાગે.
અંતે એટલુ જ કહેવાનું કે, ભાઈ આ દીપડો છે કોઈ ઈલેક્ટ્રોન કે માઈક્રોસ્કોપ વડે ન દેખાય તેવું નાનકડું જંતુ નથી કે તે નાસી છુટયો છે તેના નક્કર પુરાવા તંત્રને ન મળે. આખરે સીસીટીવી કેમેરા શું કામના ? જ્યાં સુધી તેણે ઝૂમાંથી સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે તે સત્તાવાર રીતે સાબીત નહી થાય તે પૂર્વે ઝૂને ફરી ચાલુ કરવાનો તંત્રનો નિર્ણય પણ અનુચિત છે કારણ કે, દીપડો ક્યાં ગયો છે ? કઈ દિશામાં ગયો છે તેના ફૂટપ્રિન્ટ હજુ સુધી મળ્યાં નથી.
સુરક્ષાનો સવાલ માત્ર ઝૂની મુલાકાતે આવતા સહેલાણીઓ પૂરતો જ નહીં પરંતુ ઝૂની પાછળ જ આવેલા વર્ષો જૂના લાખેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવને શિશ નમાવવા આવતા અનેક શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના વિસ્તારમાં વસતા લોકો માટેનો પણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer