પંચાયત ચોકમાં ડાઇનીંગ હોલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

પંચાયત ચોકમાં ડાઇનીંગ હોલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
હોલની બાજુમાં આવેલ બે દુકાન અને ઉપરના  ભાગે પહોંચી હતી: ગેસ લીકેજ થતાં આગ લાગ્યાનું તારણ: ગેસના સાત સિલિન્ડર કબજે
રાજકોટ, તા. 18: યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં કન્યા છાત્રાલય સામે આવેલ લક્કી ડાઇનીંગ હોલમાં ભીષણ આગ ભભૂકી હતી. ગેસ લીકેજ થવાના કારણે ભભૂકેલી આગ બાજુની દુકાન અને ઉપરના રહેણાક સુધી પ્રસરી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસેના બાલાજી પાર્કમાં સંકલ્પ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા લક્કી ડાઇંનીંગ હોલમાં આગ ભભૂકયાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ત્રણ ફાયર ફાઇટર  સાથે બનાવ સ્થળે પહોંચી ગયા હતાં. સતત પાણીનો મારો ચલાવીને આગને ઠારી હતી. ડાઇનીંગ હોલમાં લાગેલી આગબાજુની દુકાન સુધી પ્રસરી હતી તેમજ હોલની ઉપરના ભાગ સુધી  ગઇ હતી.  સંકલ્પ એપાર્ટમેન્ટના છ ફલેટમાં રહેતા મણીલાલ કંડોરિયા સહિતના આસામીઓ નીચે ઉતરી ગયા હતાં. આગના કારણે તેના ફલેટ ફર્નિચર અને ઇલેકટ્રીક વસ્તુઓને નુકસાન થયું હતું. એ જ રીતે બાજુમાં આવેલા દુકાનમાં પણ ફર્નિચર સળગી ગયું હતું. ફાયરબ્રિગેડના જવાનોની પ્રાથમિક તપાસમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસ લીકેજ થતાં આગ ભભૂકી હોવાનું ખુલ્યું હતું. બનાવ સ્થળેથી એક સાત ગેસ સીલીન્ડર મળી આવ્યા હતાં. જેમાં એક સીલીન્ડર ફાટી ગયું હતું. ગેસ સીલીન્ડર ફાટી જવા અંગે એવુ જણાવાયું હતું કે, વધુ પડતી ગરમીના કારણે સીલીન્ડર ફાટી ગયું હશે. આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. ડાઇનીંગ હોલની સામે જ કન્યા છાત્રાલય આવેલ હોવાથી તેમાં રહેતી વિદ્યાર્થિનીઓમાં ભયની લાગણી ફેલાઇ હતી. આ વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી ગઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer