કેશોદ ગૌશાળાની ચોરીમાં ફરિયાદી જ આરોપી ?: તપાસની માગ

કેશોદ ગૌશાળાની ચોરીમાં ફરિયાદી જ આરોપી ?: તપાસની માગ

કેશોદ, તા. 18: અહીની ગૌશાળામાં થયેલી રૂ. 17 લાખની ચોરીમાં ગૌશાળાના સંચાલકનો ફરિયાદી પુત્ર જ આરોપી હોય તેવો તાલ સર્જાયો છે. આ બાબતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને  તટસ્થ અને કડક તપાસ કરવાની માગણી કરી હતી.
અહીની ગૌશાળામાંથી રૂ. 17 લાખની ચોરી થયાની ગૌ શાળાના સંચાલકના પુત્રે પોલીસમાં ફરિયાદ અરજી કરી હતી. આ અરજી પરથી ગુનો નોંધીને તપાસ કરવાના બદલે પોલીસે અરજી પરથી તપાસ શરૂ કરીને દેવીપુજક સમાજના બે સગીરની અટકાયત કરીને ઢોરમાર માર્યો હતો. એ બન્ને સગીરના પરિવારજનો મેજીસ્ટ્રેટને રજૂઆત કરવા જતાં બન્નેને છોડી મૂકવામાં આવ્યા હતાં. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. બાદમાં ગૌશાળાના સંચાલકનો ફરિયાદી પુત્ર જ આરોપી નિકળે તેવી સ્થિતિ સર્જાતા ભીનું સંકેલી લેવામાં આવી રહ્યુ છે. દરમિયાન ખેડૂત હિતરક્ષણ સમિતિ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને  એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગૌ ભકતો દ્વારા  જાહેર સ્થળોએથી એકઠુ કરેલુ ભંડોળ અને દિવાળીના તહેવારમાં ફટાકડાનો સ્ટોલ કરીને મેળવેલી રકમ ગૌશાળા ટ્રસ્ટના બેંકના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે અંગત ઉપયોગમાં વાપરતા લોકોના નામ જાહેર થયા હતાં. એટલુ જ નહી પણ એ રકમમાંથી વૈભવી કાર,  બાઇક, સ્પોટર્સ સાઇકલ, દાગીનાની ખરીદી કરવામાં આવી હતી. આ ચોરી અંગે ખાસ સ્કવોડ દ્વારા તટસ્થ અને કડક તપાસ કરવામાં આવે અને પોલીસ જ ફરિયાદી બનીને તપાસ કરે તેવી માગણી કરવામાં આવી હતી. આવેદન પત્ર સમિતિના રાજુભાઇ પંડયા,ધીરૂભાઇ જાટિયા, ભરતભાઇ લાડાણી, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલ્લભાઇ પંડયા, બિલ્ડર રજનીભાઇ બામરોલિયા, ગૌરક્ષા દળના કિશનભાઇ બોરડ અને  વિશ્વ હિન્દુ પરિષદના મેહુલભાઇ ગોંડલિયા વગેરેએ આપ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer