માળિયાના વાધરવા ગામે લગ્નના ફુલેકામાં ફાયરિંગ: છ શખસ સામે ગુનો નોંધાયો

માળિયાના વાધરવા ગામે લગ્નના ફુલેકામાં ફાયરિંગ: છ શખસ સામે ગુનો નોંધાયો
માળિયામિંયાણા, તા. 18: માળિયામિંયાણાના વાધરવા ગામે લગ્નના ફુલેકામાં બંદૂકમાંથી ગોળીબાર કરવા અંગેના બનાવમાં છ શખસ સામે ગુનો નોંધાયો છે.
આ અંગે અભિષેકસિંહ દશરથસિંહ જાડેજા, દિગ્પાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મદીપસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ રઘુવીરસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ રાણા સામે ગુનો નોંધાયો છે. વાધરવા ગામે લગ્ન પ્રસંગે નિકળેલા ફુલેકામાં અમુક  શખસો  જાહેરમાં બંદૂકમાંથી ફાયરીંગ (ભડાકા) કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.  આ વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં લઇને જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા તપાસ એસઓજીને સુપ્રત કરી હતી.   એસઓજીના અધિકારીની તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, નિવૃત પોલીસ કર્મચારી કિશોરસિંહ જાડેજાના પુત્ર સત્યપાલસિંહના લગ્ન નિમિત્તે નિકળેલા ફુલેકામાં ફાયરીંગનો બનાવ બન્યો હતો. આ અંગે માળિયાના પીએસઆઇ જી.વી. વાણિયાએ  ફરિયાદી બનીને ફુલેકામાં ફાયરીંગ કરનાર અભિષેકસિંહ જાડેજા, દિગ્પાલસિંહ ઝાલા, ધર્મદીપસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ રાણા સામે આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે એ શખસોને ઝડપી લઇને હથિયાર કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer