સચિનને પ્રતિષ્ઠિત લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ

સચિનને પ્રતિષ્ઠિત લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ

2011ના વર્લ્ડ કપ જીત બાદની ભાવુક પળ દશકાની શ્રેષ્ઠ યાદગીરી બની
મેસ્સી અને હેમિલ્ટન સંયુક્તરૂપે વર્લ્ડ સ્પોર્ટસમેન ઓફ ધ યર
બર્લિન, તા.18 : પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ એવોર્ડમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને સ્પોર્ટિંગ મોમેન્ટસ 2000-2020 એવોર્ડ મળ્યો છે. જયારે એફવન રેસર લુઇસ હેમિલ્ટન અને સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીને સંયુકત રૂપે વર્લ્ડ સ્પોર્ટસ મેન ઓફ ધ યરના એવોર્ડ મળ્યા છે.
2011ના આઇસીસી વન ડે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. ભારતીય ક્રિકેટ ટીમનો ફાઇનલમાં શ્રીલંકા સામે ઐતિહાસિક વિજય થયો હતો. આ યાદગાર જીત બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ સચિન તેંડુલકરને તેમના ખભા પર ઉઠાવી લીધો હતો અને વાનખેડે સ્ટેડિયમમાં ચકકર લગાવ્યા હતા. આ ફોટો અવિસ્મરણિય બની ગયો હતો. લોરિયસ એવોર્ડના વોટિંગમાં આ ઘટનાને દશકાની (2000-2020) સ્પોર્ટસ મોમેન્ટ તરીકે પસંદ કરાઇ હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યાં બાદ સચિને જણાવ્યું હતું કે રમત કેટલી શકિતશાળી છે અને લોકોના જીવન પર કેવી અસર કરે છે. વિશ્વ કપ જીતવો મારું નાનપણથી સપનું હતું. જેને સાકાર કરવા માટે મેં 22 વર્ષ સુધી પીછો કરવો પડયો, પણ ક્યારેય હાર ન માની.  સચિને આ એવોર્ડ માટે મત આપનાર તમામ ચાહકોનો આભાર માન્યો હતો. વર્લ્ડ કપ જીતવાની પળ મારા જીવનનો સૌથી વધુ ગૌરવપૂર્ણ સમય હતો.
વર્લ્ડ સ્પોર્ટસ મેન ઓફ ધ યરના એવોર્ડ માટે હેમિલ્ટન અને મેસ્સીને એક સરખા મત મળ્યા હતા. આથી તેમને સંયુકત વિજેતા જાહેર કરાયા હતા. જો કે મેસ્સી એવોર્ડ ફંકશનમાં હાજર રહી શકયો ન હતો. તેણે વીડિયો સંદેશાથી આભાર વ્યકત કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer