વિરાટ @ 5 કરોડ

વિરાટ @ 5 કરોડ

ઇંસ્ટાગ્રામ પર પાંચ કરોડ ફોલોઅર્સ ધરાવનારો પહેલો ભારતીય
નવી દિલ્હી, તા.18: ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર જ નહીં મેદાન બહાર પણ નવા નવા રેકોર્ડ તેના નામે કરી રહયો છે. વિરાટ કોહલીએ હવે નવી ઉપલબ્ધિ ઇંસ્ટાગ્રામ સોશિયલ સાઇટ પર હાંસલ કરી છે. આ સોશિયલ મીડિયા વેબસાઇટ પર તેના ફોલોઓર્સનો આંકડો પ0 મિલિયન (પ કરોડ) થઇ ગયો છે. ઇંસ્ટાગ્રામ પર આંકડાને સ્પર્શ કરનારો તે પહેલો ભારતીય છે. તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં આ ફોટો-શેરિંગ વેબસાઇટ પર કુલ 930 પોસ્ટ કરી છે. તે ખુદ 480 લોકોને ફોલો કરે છે. વિરાટ કોહલી બ્રાંડ વેલ્યૂના મામલે પણ ઇન્ડિયામાં નંબર વન છે. કોહલી ભારતનો સૌથી લોકપ્રિય સેલેબ્રિટી ચહેરો છે.
ઇંસ્ટાગ્રામ પર બીજો સૌથી ચર્ચિત ચહેરો બોલિવૂડ-હોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરા છે. તેના 4.99 કરોડ ફોલોઅર્સ છે. આ પછી દીપિકા પાદુકોણે છે. તેના ઇંસ્ટાગ્રામ પરના ફોલોઅર્સની સંખ્યા 4.41 કરોડ છે. ચોથા સ્થાને આલિયા ભટ્ટ 4.3 કરોડ ફોલોઅર્સ સાથે છે. બોલિવૂડનો ખિલાડી અક્ષયકુમાર પાંચમા સ્થાને રહીને 3.66 કરોડ ફોલોઅર્સ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંસ્ટાગ્રામ પર 3.4પ કરોડ ફોલોઅર્સ છે.
ઇંસ્ટાગ્રામની વિશ્વ યાદીમાં પહેલા સ્થાને ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. તેના 20.3 કરોડ ફોલોઅર્સ છે. આ પછી અમેરિકી સિંગર એરિયાના ગ્રાન્ડે (17.6 કરોડ) છે. લિયોનલ મેસ્સી (14.3 કરોડ ચાહકો) આ સૂચિમાં આઠમા નંબર પર છે. રોનાલ્ડોની ઇંસ્ટાગ્રામની વાર્ષિક આવક 340 કરોડ રૂપિયા જેવી છે. કમાણીની આ સૂચિમાં કોહલી આઠમા નંબર પર છે. તેણે ઇંસ્ટાગ્રામથી વાર્ષિક 8.3 કરોડની કમાણી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer