કંડલા પોર્ટ નજીક ટાપુ પરથી માછીમારને સેટેલાઇટ ફોન મળ્યો

કંડલા પોર્ટ નજીક ટાપુ પરથી માછીમારને સેટેલાઇટ ફોન મળ્યો

(ફૂલછાબ ન્યૂઝ) ગાંધીધામ, તા.18: કંડલા પોર્ટ નજીકના એક ટાપુ પર બિનવારસુ હાલતમાં એક સેટેલાઈટ ફોન મળ્યો હતો. અમેરિકન પ્રમુખ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે દેશનાં સૌથી મોટા પોર્ટ નજીકના ટાપુ પર સેટેલાઈટ ફોન મળવાને પગલે દોડધામ મચી છે. આ મામલે પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે તપાસમાં જોતરાઈ છે.
પૂર્વ કચ્છ એસપી પરિક્ષીતા રાઠાડે જણાવ્યું હતું કે લોકલ પોલીસ, એસઓજી, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી સહિત તમામ એકની જેમ તપાસ કરી રહ્યા છે. અમારી જાણકારી મુજબ ઈન્માર સેટેલાઈટ ફોનની સિક્યુરિટી એજન્સી અને ગર્વન્મેન્ટ એજન્સીને આપવામાં આવ્યો છે. આમ છતાં તેના આઇએમઇઆઇ નંબર અને સીડીઆર(કોલ ડિટેઈલ રેકોર્ડ) કઢાવીને તપાસ કરી રહ્યા છીએ.
પપરવા નામના ટાપુ પર માછલીઓ સુકવવા માટે ગયેલા માછીમારને સેટેલાઈટ ફોન મળ્યો હતો તે ગાંધીધામની એક મોબાઈલ સ્ટોર પર સીમ કાર્ડ નખાવવા જતા દુકાનધારકે તેની પાસે સેટેલાઈટ ફોન હોવાની જાણ કરી હતી. માછીમાર સેટેલાઈટ ફોનને લઈને પોલીસ પાસે દોડી ગયો હતો. કંડલા મરિન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
માછીમારને થર્મોકોલના રેપરમાં વિંટાળેલો સેટેલાઈટ ફોન મળ્યો હતો. સામાન્ય લાગતા ફોન જેવો જ સેટેલાઈટ ફોન હોવાથી માછીમાર તેમાં સીમકાર્ડ નંખાવવા માટે ગાંધીધામ ગયો હતો. પપરવા ટાપુએ કંડલા પોર્ટની જેટી નંબર 10થી આગળ આવેલી નવલખી ચેનલમાં આવેલો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer