મહાશિવરાત્રી મેળામાં એક લાખ ભાવિકો ઉમટયા

મહાશિવરાત્રી મેળામાં એક લાખ ભાવિકો ઉમટયા

ઉતારા-અન્નક્ષેત્રોમાં ભોજન-ભક્તિની રમઝટ
(ફૂલછાબ ન્યૂઝ)
જૂનાગઢ, તા.18: ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળામાં આજે બીજા દિવસે એકાદ લાખ ભાવિકો ઉમટતા સાંજથી મેળાનો માહોલ જામવા લાગ્યો છે.
ઉતારા અને અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ તથા સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. આવતી કાલથી ભાવિકોની ભીડ જામવા લાગશે.
મહાશિવરાત્રી મેળામાં સામાન્ય રીતે પ્રથમ બે દિવસ ભાવિકોની ઓછી હાજરી હોય છે અને મેળાનાં આકર્ષણ દિગમ્બર સાધુઓની રવેડી નીહાળવા માટે ભાવિકોમાં અનેરું આકર્ષણ હોવાથી છેલ્લાં બે દી’ માનવભીડ જામે છે.
મેળાનાં પ્રારંભ સાથે તળેટીમાં ઉતારા અને અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા છે. સાધુ -સંતો, સ્વયંસેવકો, પોલીસ તથા ફરજ ઉપરના કર્મચારી અને  શહેરીજનોની ભીડ બાદ આજથી ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે.
શિવરાત્રી મેળો આગળ વધતા આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ વહેવા લાગશે તેમ જૂનાગઢ રેલવે સ્ટેશનનાં મેનેજર ભાર્ગવે જણાવેલ કે ગઇકાલ ટ્રેનો ખાલી દોડી હતી પણ આવતીકાલથી ભીડ દેખાશે તેવી રીતે એસ.ટી.ઓમાં પણ ઉતારુંઓની સંખ્યા ઓછી જણાઇ હતી.
સૌરાષ્ટ્રમાં શિયાળુ પાકની સીઝન શરૂ થતાં અને મજૂરોની અછતના કારણે ગ્રામ્યજનો  છેલ્લાં બે દી’ મેળો માણવા ઉમટે તેવી શકયતા છે.
આજે બીજા દિવસે ભાવિકોની ભીડ જણાતા ખોડિયાર રાસ મંડળ, આપાગીગા અન્નક્ષેત્ર, રવિરાંદલ તથા ગૌરક્ષ આશ્રમનાં અન્નક્ષેત્રોમાં ભાવિકોની પ્રસાદ માટે કતારો લાગી હતી.
બીજીબાજુ અન્નક્ષેત્રો, આશ્રમોમાં ભંડારાનાં આયોજનોને કારણે સેંકડો સાધુઓને પ્રસાદ અને ભેટપૂજા આપવામાં આવી રહ્યા છે. મેળામાં ધુણા ધખાવી બેઠેલા કેટલાક ઠગ સાધુઓ ભાવિકો પાસેથી ડરાવી-ધમકાવી પૈસા પડાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. છેલ્લાં બે દી’ તળેટી ટૂંકી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે તેથી ગિરદીથી બચવા ઇચ્છતા ભાવિકો વહેલો મેળો માણી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer