‘કોરોનાનાં કારણે કિંમતો કવરાવશે’

‘કોરોનાનાં કારણે કિંમતો કવરાવશે’
ચીનથી આયાત કરતા ઉદ્યોગો પર અસરની ભીતિ ખાસ બેઠક બાદ નાણાપ્રધાને દર્શાવી
નવી દિલ્હી, તા. 18 : ચીનમાં કોરોના વાયરસનાં કારણે ‘ગ્લોબલ સપ્લાય ચેન’ એટલે કે, વૈશ્વિક પુરવઠાની સાંકળ ખોરવાઈ છે, ત્યારે ભારતમાં પણ થોડાક સમય માટે કિંમતો વધી શકે છે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે ખાસ પત્રકાર પરિષદને સંબોધતાં આવી ભીતિ વ્યક્ત કરી હતી.  કોરોનાના કારણે વૈશ્વિક વ્યાપારની ગાડીની ગતિ ઘટવા લાગી છે. ભારતમાં ચીનની આયાત પર નિર્ભર છે તેવા ઉદ્યોગો પર અસર દેખાવા લાગી છે.
આ ઘાતક વાયરસના ખતરાને ગંભીરતાથી લેતાં નાણાપ્રધાને મંગળવારે વેપાર અને ઉદ્યોગ સંગઠનના લોકો સાથે ખાસ બેઠક યોજી હતી.  આ બેઠક બાદ ખાસ બોલાવેલી પત્રકાર પરિષદને સંબોધતાં સીતારામને કહ્યું હતું કે, અત્યારની સ્થિતિમાં અલબત્ત કાચામાલની અછત નથી.  બુધવારે સંબંધિત મંત્રાલયોના સચિવો સાથે નાણામંત્રીની બેઠક થવાની છે. જરૂર પડયે આ મામલા પર પીએમઓ સાથે વાત કરીશું તેવું પણ તેમણે જણાવ્યું હતું.
ચીનથી કાચો માલ ન મળતા દવાના ઉત્પાદકો ભીંસમાં
અમદાવાદ, તા.18: કોરોના વાઇરસને લીધે દવા ઉદ્યોગને માઠી અસર થવા લાગી છે. વાઇરસ સમયસર કાબૂમાં ન આવે તો દવાના અસંખ્ય કારખાના ખાસ પ્રકારના કાચા માલના અભાવે બંધ કરવા પડે તેવી નોબત આવી છે. દવા માટેનો કેટલોક કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે તે કારણે સમસ્યા છે.
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચારિંગ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ચિરાગ દોશી જણાવે છે કે ‘ગુજરાતની દવા કંપનીઓની 60% નિર્ભરતા દવા માટે ચીનથી આવતા કાચા માલ ઉપર છે. એક મહિનાથી તો ચીનથી કાચો માલ આવવાનું બંધ થઇ ગયું છે. હવે માલ નહીં મળે તો કારખાનાઓ ઉપર નકારાત્મક અસર થઈ શકે છે.
આંકડા ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં હાલ નાના મોટા થઈને કુલ દવા ઉત્પાદનના 750 કારખાનાઓ આવેલાં છે. ગુજરાતનો વાર્ષિક દવા કારોબાર 60 હજાર કરોડથી વધારે છે અને હજારો લોકો રોજગાર મેળવે છે. હવે કાચો માલ ન મળે તો દવા ઉત્પાદન ઉપર નકારાત્મક અસર પડશે. દરમિયાન ચીન તરફથી કાચા માલનો પુરવઠો મળવામાં અડચણો આવી રહી છે જેને લીધે પેરાસિટામોલ સહિત કેટલીયે દવાઓના ભાવ 40થી 70 ટકા સુધી વધી ગયા છે. ઝાઇડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે કહ્યું હતું કે, સૌથી વધારે ઉપયોગમાં લેવાતી દવા પેરાસિટામોલની કિંમત 40 ટકા વધી ગઈ છે. આજ રીતે ઘણી જાતનાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે ઉપયોગમાં લેવાતી એજિથ્રોમાઇસિન દવાની કિંમતમાં 70 ટકાનો ઉછાળો આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer