‘ગ્રે’ પાક.નું મોઢું એપ્રિલમાં થશે કાળું!

‘ગ્રે’ પાક.નું મોઢું એપ્રિલમાં થશે કાળું!

FATF ગ્રે લિસ્ટમાં જ રહેશે, શુક્રવારે અંતિમ નિર્ણય : હવે નહીં સુધરે તો ઓટોમેટિક બ્લેકલિસ્ટ થશે
પાક.ને ગ્રે લિસ્ટમાંથી ઉગારવાના મલેશિયા, તુર્કીના પ્રયાસો નિષ્ફળ
નવી દિલ્હી/પેરિસ,  તા. 18: આતંકવાદને પોષતા પાકિસ્તાનના પેંતરા ફરી એકવાર વિફળ રહ્યા છે અને પોતાની જમીન પરના આતંકી સંગઠનો સામે પગલાં લીધાનો દેખાડો કરીને તે ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા બ્લેકલિસ્ટમાં મુકાવાથી છટકી ગયું છે. જોકે, આ વિશે સત્તાવાર નિર્ણય શુક્રવારે આવશે. હાલ પાકને ગ્રે લિસ્ટમાં જ રહેશે પણ જો એપ્રિલ સુધીમાં તે આ યાદીમાંથી બહાર નહીં આવી શકે તો આપોઆપ બ્લેકલિસ્ટ થઈ જશે. જો આમ થાય તો કંગાળ બનેલા તેના અર્થતંત્ર ઉપર વધુ ઘાતક આર્થિક પ્રતિબંધો મુકાઈ જશે.
પાકને બ્લેકલિસ્ટમાં મુકાવવા ભારતના સઘન પ્રયાસ ચાલુ છે, બીજી તરફ તૂર્કી અને મલેશિયા પાકને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવા અને બ્લેકલિસ્ટમાં મુકાતું બચાવવા સપોર્ટમાં કરી રહ્યા છે. જો કે એફએટીએફના પેરિસમાં ચાલી રહેલા ખુલ્લા અધિવેશનમાં શુક્રવારે આ મામલે અંતિમ નિર્ણય લેવાશે. પાકની ઈમરાન ખાનની સરકારે આતંકવાદને ભંડોળ મળતું રોકવા લીધેલા પગલાંના પુરાવા આપ્યા છે, જે અલબત્ત સંદેહથી પર નથી. પાકની એકમાત્ર ઉમ્મીદ, લશ્કરે તૈયબાનો સ્થાપક અને  મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદને કરેલી 11 વર્ષની ‘જેલ સજા’ પર છે.
જો પાક એપ્રિલ સુધીમાં ગ્રે લિસ્ટમાંથી દૂર ન થાય તો તે આપોઆપ બ્લેકલિસ્ટમાં સરકી જશે. એફએટીએફની કાળી યાદીમાં મુકાવાથી પાકના આર્થિક સુધારણાના કાર્યક્રમને તીવ્ર ફટકો પડે તેમ છે. બ્લેકલિસ્ટમાં આવી મુકાવાથી પાકે (હાલ ઈરાન જેનો સામનો કરી રહ્યું છે તેવા) આર્થિક પ્રતિબંધોનો સામનો કરવાનું આવે.
લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ સહિતના આતંકી જૂથોને મળતા ભંડોળો ડામવામાં પાક વિફળ રહ્યુ હોઈ એફએટીએફએ પાકને ગ્રે લિસ્ટમાં રાખવા નિર્ણય કર્યો છે. (’18થી ગ્રે લિસ્ટમાં મુકાયેલું પાક અગાઉ ’12થી ’1પની  વચ્ચે પણ ગ્રે લિસ્ટમાં રહી ચૂકયું છે.)
તૈયબા, જૈશ, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી જૂથોને ઈસ્લામાબાદ સપોર્ટ કરતું આવ્યુ હોવાનું ભારપૂર્વક જણાવી ભારત એફટીએએફને પાક સામે પગલા લેવા વિનવતું આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer