26/11ને ‘િહન્દુ આતંક’ દેખાડવા તૈયબાએ રચી હતી સાજીશ

26/11ને ‘િહન્દુ આતંક’ દેખાડવા તૈયબાએ રચી હતી સાજીશ

નવીદિલ્હી, તા.18: મુંબઈ પોલીસનાં પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ પોતાની આત્મકથા ‘લેટ મી સે ઈટ નાઉ’માં અનેક ચોંકાવનારા દાવા અને સનસનીખેજ ખુલાસાઓ કર્યા છે. 26/11નાં ભયંકર આતંકવાદી હુમલા વિશે અત્યાર સુધી ધરબાયેલી રહેલી કેટલીક વિગતો આપતાં તેમણે દાવો કર્યો છે કે, મુંબઈ પોલીસ આ હુમલામાં જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની તસવીર જાહેર કરવાં માગતી નહોતી. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, 26/11નાં ષડયંત્રકારી પાકિસ્તાની આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા અને આઈએસઆઈએ તો આ હુમલાને હિન્દુઓએ કરેલો આતંકવાદી હુમલો હોવાની ભ્રમણા પેદા કરવાં માટે પણ ખતરનાક સાજીશ પણ રચી હતી. આટલું જ નહીં આ કારસાનાં એકમાત્ર જીવતા પુરાવા એટલે કે કસાબનું કાસળ કાઢી નાખવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને સોપારી પણ અપાઈ હોવાનો ખુલાસો મારિયાએ કર્યો છે.
મારિયાએ પુસ્તકમાં લખ્યું છે કે, જો તૈયબાની યુક્તિ સફળ થઈ ગઈ હોત તો ભારતનાં મીડિયામાં મુંબઈનો હુમલો હિન્દુ આતંકવાદનું કૃત્ય ચિતરાઈ ગયું હોત. આ હુમલા પાછળ હિન્દુઓનો હાથ હોવાનું દેખાડવા માટે કસાબનું કાંડુ ધાગાથી બાંધવામાં આવેલું હતું. આટલું જ નહીં કસાબ પાસે બેંગ્લુરુ નિવાસી દેખાડેલા દિનેશ ચૌધરી નામનું ઓળખપત્ર પણ હતું. જો કે કસાબ જીવિત પકડાઈ જતાં તૈયબા અને આઈએસઆઈનાં મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું. ત્યારબાદ આઈએસઆઈ અને તૈયબા કોઈપણ ભોગે કસાબની કાંકરી કાઢી નાખવા માગતાં હતાં. જેનાં માટે દાઉદને સોપારી પણ આપી દેવામાં આવી હતી. મારિયાએ આગળ લખ્યું છે કે, તેની સૌથી મોટી પ્રાથમિકતા કસાબને જીવતો રાખવાની હતી, કારણ કે જનતાની જેમ જ પોલીસ પણ તેનાં ઉપર ખુન્નસ ખાઈ ગયેલી હતી.
મારિયાના કહેવા અનુસાર કસાબને એવી ગેરમાન્યતા હતી કે ભારતમાં તો મસ્જિદોને તાળાં મારી દેવાયેલાં હશે. ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં તેને જ્યારે નમાઝની બાંગ સંભળાતી ત્યારે તેને એ પોતાનાં દિમાગની ઉપજ લાગતી. જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે કસાબને મેટ્રો સિનેમા પાસેની મસ્જિદ નજીક લઈ જવાયો હતો અને તે લોકોને નમાઝ પઢતા જોઈને દંગ રહી ગયો હતો.
મારિયાએ દાવો કર્યો છે કે, કસાબ ઉપરનો ખતરો ધ્યાને લેતાં મુંબઈ પોલીસ તો તેની ઓળખ છૂપાવી રાખવા માગતી હતી પણ કેન્દ્રીય એજન્સીએ તેની તસવીર ફોડી નાખી હતી.
મારિયાએ કસાબની પૂછપરછનાં આધારે પોતે જાણેલી વાત લખતાં આગળ કહ્યું છે કે, કસાબ તો લૂંટનાં ઈરાદે જ તૈયબામાં જોડાયેલો અને જેહાદ સાથે તેને પહેલા કોઈ નિસ્બત નહોતી. તે પોતાની ગરીબીમાંથી બહાર આવવા માગતો હતો. ત્રણ તબક્કાની આતંકી તાલીમ બાદ તેને મળેલા એક લાખ રૂપિયા તેણે એક અઠવાડીયું પરિવારને મળવાની રજા દરમિયાન પોતાનાં ઘરે આપી દીધા હતાં.
તેમણે પોતાની આત્મકથામાં ચકચારી શીના બોરા હત્યાકેસ વિશે પણ અનેક ખળભળાટ મચાવે તેવા દાવા કર્યા છે. મારિયાનાં કહેવા અનુસાર કેસની તપાસ દરમિયાન જોઇન્ટ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) દેવેન ભારતીએ મુખ્ય શકમંદ પીટર મુખરજી અને તેની પત્ની ઈન્દ્રાણી મુખરજીને પોતે ઓળખતા હોવાનો ખુલાસો કર્યો ન હતો. આ ઉપરાંત તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ગેરસમજનાં કારણે આ કેસની તપાસ અંતિમ તબક્કામાં હતી ત્યારે પોતાની બદલી કરી નાખવામાં આવી હોવાનો ખુલાસો પણ મારિયાએ કરેલો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer