ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં ટ્રેંટ બોલ્ટની વાપસી

ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં ટ્રેંટ બોલ્ટની વાપસી
જેમીસન અને એઝાઝ પટેલને ભારત સામેની બે ટેસ્ટની શ્રેણીમાં કિવિ ટીમમાં તક
વેલિંગ્ટન, તા.17: ઇજાને લીધે ભારત વિરૂધ્ધની ટી-20 અને વન ડે સિરિઝની બહાર રહેનાર ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટની ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે. ભારત સામેની બે ટેસ્ટની સિરિઝમાં યુવા ઝડપી બોલર કાઇલી જેમીસનને પહેલીવાર કિવિ ટીમમાં તક મળી છે. સ્પિનર એઝાઝ પટેલનો પણ ટીમમાં સમાવેશ થયો છે. આ સામે મિશેલ સેન્ટરને પડતો મુકવામાં આવ્યો છે. તેણે પાછલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ દેખાવ કર્યોં હતો.  જયારે ભારત સામેની વન ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર જેમીસનને ઇનામ મળ્યું છે.
ટ્રેંટ બોલ્ટ છેલ્લે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બોકસિંગ ડે ટેસ્ટમાં રમ્યો હતો. ત્યારે તેને ડાબા હાથમાં ઇજા થઇ હતી. ન્યુઝીલેન્ડની ટીમના હેડ કોચ ગેરી સ્ટીડે કહયું છે કે બોલ્ટની વાપસી ટીમ માટે સારી નિશાની છે. તેના અનુભવથી ટીમને મજબૂતી મળશે.
સેંટનરની બાદબાકીને લીધે સ્પિન વિભાગની જવાબદારી એઝાઝ પટેલને સોંપવામાં આવી છે. તેણે પાકિસ્તાન વિરૂધ્ધની તેની પદાપર્ણ શ્રેણીમાં પ્રભાવિત પ્રદર્શન કર્યું હતું. ભારત સામેના પહેલા ટેસ્ટ વખતે રોસ ટેલર 100મો ટેસ્ટ રમશે. બન્ને ટીમ વચ્ચેની બે ટેસ્ટની શ્રેણી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાશે.
ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લાથમ, રોસ ટેલર, ટોમ બ્લંડેલ, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી’ગ્રેંડહોમ, ટિમ સાઉધી, નીલ વેગનાર, ટ્રેંટ બોલ્ટ, એઝાઝ પટેલ, કાઇલ જેમીસન અને ડેરિલ મિશેલ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer