પ્લેસિસે આફ્રિકાની કેપ્ટનશિપ છોડી

પ્લેસિસે આફ્રિકાની કેપ્ટનશિપ છોડી
વન ડે બાદ હવે ટેસ્ટ અને T-20ના સુકાનીપદેથી રાજીનામું આપ્યું
જોહાનિસબર્ગ, તા.17: સંઘર્ષના તબકકામાંથી પસાર થઇ રહેલ દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ એક ફટકો પડયો છે. તેના દિગ્ગજ બેટસમેન ફાક ડૂ પ્લેસિસે આજે તાત્કાલિક પ્રભાવથી ટેસ્ટ અને ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. પ્લેસિસને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં વિશ્રામ અપાયો હતો. જેને દ. આફ્રિકાએ રવિવારે 1-2થી ગુમાવી છે. ડૂ પ્લેસિસે સુકાનીપદનો ત્યાગ કરવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે શરૂ થનાર ટી-20 સિરિઝ શરૂ થવાના એક સપ્તાહ પહેલા લીધો છે. પ્લેસિસે તાજેતરમાં જ વન ડેની કેપ્ટનશિપ છોડીને વિકેટકીપર-બેટસમેન કિવંટન ડિ’કોકને સોંપી હતી. તે હવે આફ્રિકાની ટેસ્ટ અને ટી-20 ટીમનો પણ કપ્તાન બની શકે છે.
3પ વર્ષીય પ્લેસિસે કહયું છે કે તેણે આ નિર્ણય એટલા માટે લીધો છે કે સાઉથ આફ્રિકાની ટીમને નવા યુગની શરૂઆત કરવામાં મદદ મળે. મને હજુ પણ સુકાનીપદ સંભાળવું ગમે છે, પણ લીડરનો સૌથી મોટો ગુણ નિ:સ્વાર્થ રહેવું હોય છે. હું સ્વસ્થ અને ફિટ છું. આશા છે કે ખેલાડી તરીકે આફ્રિકાની જીતમાં યોગદાન આપી શકીશ.
ફાક ડૂ પ્લેસિસે તેની કેરિયરમાં 6પ ટેસ્ટ મેચ, 143 વન ડે અને 44 ટી-20 ઇન્ટરનેશનલ મેચ દ. આફ્રિકા તરફથી રમી ચૂકયો છે. તેના નામે ટેસ્ટમાં 3901, વન ડેમાં પપ0પ અને ટી-20માં 1363 રન છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer