રાજકોટમાં અઠવાડિયામાં એક હથિયાર વેચાય છે

રાજકોટમાં અઠવાડિયામાં એક હથિયાર વેચાય છે
હથિયારના લાયસન્સ આપવા પર સરકારનો આડકતરો પ્રતિબંધ: નવી અને રીન્યુઅલની અરજીઓ જુદા જુદા કારણોસર રદ કરાય છે
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ/અમદાવાદ, તા. 13: રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ અને બંદૂક જેવા હથિયારના લાયસન્સ આપવા પર સરકારે આડકતરો પ્રતિબંધ મૂકયો છે. હથિયાર માટેની નવી અને રીન્યુઅલ અરજીઓ જુદા જુદા કારણોસર રદ કરાય છે ત્યારે રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં એક હથિયાર  વેચાતું હોવાનું બહાર આવ્યું છે.
ધોરાજી પંથકના ધારાસભ્ય લલીતભાઇ વસોયાનો રિવોલ્વર અને બંદૂક જેવા હથિયારમાંથી  ફાયરીંગ  કરતો વીડિયો વાયરલ થયો હતો. એ જ રીતે કચ્છના રાજકીય અગ્રણીના પુત્રનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. લગ્નના વરઘોડા અને ફુલેકામાં ગોળીબાર કરવાથી ઇજા અને મૃત્યુ થયાના કિસ્સા પણ નોંધાયા છે.
રાજકોટ શહેરમાં હથિયારનું વેચાણ કરવા માટે બે આસામીને પરવાના આપવામાં આવ્યા છે. આ બન્ને લાયસન્સધારકો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પિસ્તોલ, રિવોલ્વર, બંદૂક અને રાયફલ જેવા 1161 જેટલા  હથિયારનું વેચાણ થયું છે. આ આંકડા પરથી એવું કહી શકાય છે એક વર્ષમાં સરેરાશ 232 જેટલા હથિયારનું વેચાણ થાય છે અને એક સપ્તાહમાં એક હથિયાર વેચાય છે.
ગુજરાતની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં 9387 જેટલા હથિયાર વેચાયા છે. જેમાં સૌથી  વધુ રિવોલ્વરનું વેચાણ થયું છે. એ પછી પિસ્તોલનો નંબર આવે છે. બાર બોરની બંદૂક અને રાયફલનું વેચાણ વધુ છે.
સ્વરક્ષણ અને પાકની સુરક્ષાના નામે લેવાતા રિવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયાર સાથે રાખવા તે સીનારિયો શરૂ થયો છે. અનેક લોકો કમરે ફટાકડી લટકાવીને ફરે છે. કેટલાય લોકો માત્ર રોફ જમાવવા માટે જ હથિયાર સાથે રાખે છે. તો કેટલાક સ્વરક્ષણના હોઠા એઠળ હથિયાર સાથે રાખે છે. લગ્ન સહિતના પ્રસંગમાં હયિથારમાંથી ફાયરીંગ કરીને એક પ્રકારનો રોફ જમાવ્યાનો આનંદ લેવામાં આવી રહ્યો છે.
હથિયારના થતાં ગેરઉપયોગ પર લગામ રાખવા માટે સરકાર દ્વારા હથિયારના  લાયસન્સ આપવાની કે રીન્યુઅલ કરવાની અરજીઓ જુદા જુદા કારણોસર નામંજુર કરવામાં આવી રહી છે.
કેટલાક કિસ્સામાં હથિયારની અરજી નામંજુર કરવા પાછળ એવા કારણ દર્શાવવામાં આવ્યા હતાં કે અરજીકર્તા એટલા ધનિક નથી કે તેઓનો જીવ જોખમમાં મૂકાય. જો અરજદાર પૈસાદાર હોય તો તે સુરક્ષા માટે સીકયુરીટી ગાર્ડ રાખી લે. બંદૂક રાખવાની જરૂર નથી. બોટાદના ઝહીર વાડિયાને લાયસન્સ આપવાની એવા કારણોસર ના પાડી દેવામાં આવી હતી કે, તેની આવક એટલી નથી કે તેને સુરક્ષા માટે હથિયારની  જરૂર પડે. આ હુકમ સામે હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેમાં હથિયાર માટે આવકનો માપદંડ નથી. હાઇકોર્ટે સરકારનો હથિયાર ન આપવાનો નિર્ણય ફગાવી દઇને ફરીથી વિચારણા કરવા હુકમ કર્યો હતો. જૂનાગઢ અને બોટાદ અન્ય બે આસામીની હથિયારની અરજી પણ આવા જ કારણોસર ફગાવી દેવામાં આવી હતી.
અમરેલી પંથકના સ્ટીલ ફેકટરીના માલિક સમીર સૈયદે નાણાકીય લેવડદેવડ માટે સુરક્ષાની જરૂર હોવાનું જણાવીને હથિયારનો પરવાનો આપવાની માગણી કરી હતી. પરંતુ આ માગણી નાણાકીય લેવડદેવડ માટે ઇ-બેંકીંગ  અને આંગડિયા પેઢીનો ઉપયોગ કરવાનું જણાવીને માગણી નામંજુર કરવામાં આવી હતી.
આ ઉપરાંત અરજદારનો ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પણ હથિયારના પરવાનાની અરજી રદ કરવામાં આવે છે.
રાજકોટ શહેરમાં હથિયારની કુલ સંખ્યા પાંચેક હજારની હોવાનું જણાવાય છે. જેમાં એક જ પરિવારના એકથી વધુ સભ્યો પાસે હથિયારનો પરવાનો હોવાનું જણાવાય છે.
હથિયાર મેળવવાની પ્રક્રિયાની વાત કરીએ તો કોઇપણ વ્યકિત હથિયાર ખરીદ કરવા માગતી હોય તેણે શા માટે હથિયાર ખરીદ કરવાનું છે તેનું કારણ જણાવવાનું હોય છે આ ઉપરાંત તેની વાર્ષિક આવકના પુરાવારૂપે આવકવેરાના રીટર્ન રજુ કરવાના હોય છે. રાજયના ચાર મહાનગરમાં પોલીસ કમિશનરને હથિયારના પરવાના માટે અરજી કરવાની હોય છે. જયારે જિલ્લા કક્ષાએ કલેકટરને અરજી કરવાની હોય છે.
આ અરજી અંગે લગત પોલીસ સ્ટેશનના પીઆઇ પાસે અભિપ્રાય મેળવવામાં આવે છે. સાથોસાથ અરજદાર કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ? અરજદારને હથિયાર ચલાવતા આવડે છે કે કેમ? તેણે કોઇ તાલીમ લીધી છે કે નહીં? તેની તપાસ કરવામાં આવે છે. આ તપાસ બાદ ઉચ્ચ પોલીસ અધિકારી પાસે ફાઇલ આવે છે. અધિકારી અરજદારને રૂબરૂ બોલાવીને તેનો ઇન્ટરવ્યુ લઇને કેટલીય બાબતોની ખરાઇ કરે છે. એ પછી હથિયારના લાયસન્સની મંજુરી આપવામાં આવે છે. પોલીસ કમિશનર કે કલેકટર દ્વારા હથિયારના લાયસન્સની અરજી રદ કરવામાં આવે તો ગૃહવિભાગમાં અરજી કરીને હથિયારનો પરવાનો મેળવવામાં આવે છે.
પરવાનો મળ્યા બાદ હથિયારના સ્થાનિક ડીલર પાસેથી કે સરકારની ફેકટરીમાંથી હથિયાર ખરીદ કરવામાં આવે છે. કેટલાય કિસ્સામાં ઘર ઘરાવ પણ હથિયારની ખરીદી થાય છે.
સુરેન્દ્રનગરના શૂટરની અરજી રદ્દ
રાયફલ એસોસિયેશનના સભ્ય અને અનેક શૂટિંગ સ્પર્ધામાં ભાગ લઇને સર્ટિફિકેટ અને એવોર્ડ મેળવનાર સુરેન્દ્રનગરના શૂટર રાજેન્દ્રસિંહ રાણાએ રક્ષણ માટે હથિયારનું લાયસન્સ મેળવવા અરજી કરી હતી પરંતુ કલેક્ટરે અરજી રદ્દ કરી હતી.
પિસ્તોલનો ક્રેઝ વધુ

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer