પુલવામાની વરસીએ જ નાપાક હરક્ત : ગોળીબારમાં એકનું મૃત્યુ

પુલવામાની વરસીએ જ નાપાક હરક્ત : ગોળીબારમાં એકનું મૃત્યુ
પૂંચમાં પાક.નો ભારે તોપમારો: 4 ઘવાયા : ભારતનો મજબૂત જવાબ

નવી દિલ્હી, તા. 14  :  પુલવામાના ગોઝારા આતંકી હુમલાની વરસીએ જ પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી છે. પાક રેન્જર્સે પૂંચ વિસ્તારમાં ભારે ગોળીબાર કરતાં એક જણનું મોત થઈ ગયું હતું તો ચાર અન્ય ઘવાયા હતા. ભારતીય સેનાએ મજબૂત જવાબ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની દળોએ શાહપુર અને કરનીના સરહદી ગામોને અને સેનાની ચોકીઓને નિશાન બનાવીને ભારે તોપમારો અને ગોળીબાર કર્યા હતા જેમાં એક ગ્રામીણનું મોત થઈ ગયું હતું તો ચારને ઈજા થઈ છે. પાકે 120 એમ.એમ.ના મોર્ટાર દાગ્યા હતા.ઉલ્લેખનીય છે કે આજે પુલવામા હુમલાની વરસી છે જેમાં 40 ભારતીય જવાન શહીદ થયા હતા. તુર્કીના પ્રમુખ રિસેપ તૈયબ એર્દોગાન પાકિસ્તાનના પ્રવાસે છે ત્યારે જ પાક રેન્જર્સે આ ઉશ્કેરણીજનક હરકત કરી છે. ભારતીય દળોએ પાકને જોરદાર જવાબ આપ્યો હતો. આ પહેલાં આઠમી ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું જેમાં એક ભારતીય જવાન વીરગતિ પામ્યો હતો.
 
‘હમ ભૂલે નહીં, હમને છોડા નહીં’: પુલવામાની વરસીએ સીઆરપીએફનું ટ્વિટ
નવી દિલ્હી, તા. 14 : પાકિસ્તાન સમર્થિત આતંકી હુમલામાં ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાની પહેલી વરસીએ દેશભરમાંથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સીઆરપીએફએ પણ પોતાના જવાનોને યાદ કર્યા હતા અને લખ્યું હતું કે ‘અમે ભૂલ્યા નથી, અમે છોડયા નથી.’ સીઆરપીએફના ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તુમ્હારે શૌર્ય કે ગીત, કર્કશ શોર મેં ખોયે નહી. ગર્વ ઈતના થા કિ હમ દેર તક રોયે નહી. આગળ લખવામાં આવ્યું હતું કે ‘હમને ભુલા નહી, હમને છોડા નહી’ હમ અપને ભાઈઓ કો સલામ કરતે હૈ. ટવીટમાં પુલવામા હુમલાના શહીદોને સલામ કરતા સીઆરપીએફ શહીદોના પરિવાર સાથે હોવાનું કહેવામાં આવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer