ધીમા પગલે ઉનાળાની શરૂઆત ચાર દી’ પછી આકરો તાપ પડશે

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.14: સૌરાષ્ટ્રમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો આભાસ થાય છે પણ દિવસ દરમિયાન લોકો ગરમીનો અહેસાસ કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન 32 ડિગ્રીને વટાવી ગયું છે અને આગામી ચાર દિવસ પછી એટલે કે મંગળવારથી પારો 36 ડિગ્રીને વટી જશે. લોકો આકરા તાપનો અનુભવ કરશે. આગામી દિવસોમાં પંખા અને એસીની જરૂરિયાત પણ ઉભી થશે.
કડકડતી ઠંડીનો અનુભવ કરી લીધા પછી સૌરાષ્ટ્રવાસીઓ હવે ધીમે ધીમે ઉનાળાનો અહેસાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે ફાગણ મહિનામાં હોળી પ્રગટી જાય પછી જોરદાર ગરમી શરૂ થતી હોય છે પણ હોળીને હજુ 15 દિવસ જેટલી વાર છે ત્યાં જ ઉનાળાએ ધીમે ધીમે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. જૂનાગઢમાં મહત્તમ 32.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 32.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 34 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે. પોરબંદર, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ સહિતના શહેરોમાં પણ પારો 31થી 32 ડિગ્રી આસપાસ નોંધાયો છે.  જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, હવે ક્રમશ: ગરમીમાં વધારો થતો જશે આગામી ચાર દિવસમાં એટલે કે, મંગળવાર પછી ગરમીનો પારો 36 ડિગ્રી પાર પહોંચી જશે તેવી શક્યતા છે. મહત્તમ તાપમાન વધશે તેની સાથે સાથે લઘુતમ તાપમાન પણ ઉંચુ આવતું જશે. જો કે, વહેલી સવારે સૌરાષ્ટ્રના લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer