સરકારને નિર્ણય લેવા અલ્પેશ ઠાકોરનું 48 કલાકનું અલ્ટિમેટમ

LRD ભરતી વિવાદ
નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ વર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રીને વાકેફ કર્યા: આજે મોટી જાહેરાત
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.14: એલઆરડી ભરતીમાં અનામત વિવાદ મામલે 2018ના ઠરાવને લઇ સરકાર મુંઝવણમાં મુકાઇ છે. આ મામલે મુખ્યપ્રધાનનાં કાર્યાલય ખાતે આજરોજ બેઠક યોજાઇ હતી. આ બેઠક મુખ્યપ્રધાનનાં મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન અને એલઆરડી ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાથે યોજાઇ હતી. આ હાઇવોલ્ટેજ બેઠકમાં ગૃહ સચિવ બ્રિજેશ કુમાર ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એલઆરડી ભરતીના વિવાદને ઉકેલવાની દિશામાં આ બેઠકને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો કે આ અંગે કોઇપણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી આમ છતાં એવી ચર્ચા છે કે હવે આ મામલે સરકાર વચગાળાનાં સમાધાનથી આગળ વધી શકે છે. આ માટે ઘડી કાઢેલી ફોર્મ્યુલા મુજબ, સરકાર એલારડી ભરતીની બેઠકોમાં વધારો કરી શકે છે. અનામત વર્ગની મહિલાઓ માટે સ્પેશિયલ બેઠક ફાળવી શકે છે પરંતુ બિનઅનામત વર્ગની મહિલાની ભરતી રદ નહીં થાય, તેવી ચર્ચા છે.
મહત્વનું છે કે આજરોજ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. અસમંજસની સ્થિતિમાં મુકાયેલી રાજ્યસરકારમાં બેઠકોનો દોર જોવા મળ્યો હતો. અનામત અને બિનઅનામતનો વિવાદ થાળે ન પડતા સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યજ્ઞેશ દવે સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં નજીકના દિવસોમાં જ સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે તેવો દાવો વરૂણ પટેલે કર્યો હતો. જો કે બેઠકમાં થયેલી ચર્ચા અંગે વરૂણ પટેલે મૌન સેવ્યું હતું. બે વખત થયેલી બેઠક બાદ હવે આ મામલે વધુ એક મુદત પડી છે અને આવતીકાલે શનિવારે આ મુદ્દે કોઇ મહત્વની જાહેરાત કરાય તેવી શક્યતા છે.
દરમિયાન અનામત મુદ્દે અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકમાં ઠરાવ રદ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રા યોજવામાં આવશે. અલ્પેશે જણાવ્યુ ંહતુ ંકે આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે અને જતન માટે, ગરીબોના ઉત્થાન માટે હશે. આ પછી પણ કોઇ નિર્ણય નહીં કરાય તો ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ નક્કી કરીશું. મને ભરોષો છે કે રાજ્યસરકાર ત્વરિત નિર્ણય કરશે. જો કે ત્યારબાદ અનામત મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે ચર્ચા કરવા માટે  અલ્પેશ ઠાકોર અને સાસંદ ભરતસિંહ ડાભી મુખ્યપ્રધાનને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ આ આંદોલનને સમર્થન આપ્યુ ંહતું.
ત્યારે બીજી તરફ બિન અનામત વર્ગના આગેવાન દિનેશ બાંભણિયાએ અલ્પેશના અલ્ટિમેટમ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દરેક વર્ગને અન્યાય સામે લડવાનો અધિકાર છે. અમારી માંગણી હજુ પણ એ જ છે કે આ પરિપત્ર રદ ન થવો જોઇએ અને જો સરકાર તેમાં ફેરફાર કરે તો તેના કારણો જણાવે. આ તબક્કેઆ બિનઅનામત વર્ગના આંદોલનને ભાજપનાં પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે સમર્થન આપ્યું છે. નારાયણ પટેલે પ્રહાર કરતા કહ્યું કે છેલ્લાં બે મહિનાતી એલઆરડીનો વિવાદ ચાલી રહ્યો છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટથી સરકાર ઉપરી નથી એટલે સરકાર જીઆરમાં કહેવાયું છે તેને ધ્યાનમાં રાખે અને કોઇ સમાજને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખે. નારાયણ પટેલે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તે કેટેગરીમાં જ ઉમેદવારોની પસંદગી કરો. જો સરકાર અન્યાય કરશે તો અમે સહન નહીં કરી લઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer