નાફેડ તા.20થી મગફળી વેચશે

નાફેડ પાસે મગફળીનો 6.25 લાખ ટનનો સ્ટોક: સરકારી ખરીદી નબળી અને સ્ટોક-માગ સરભર રહેવાની શક્યતાએ ભાવ તૂટવાના સંજોગ ઓછાં બનશે
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.14:  નાફેડ દ્વારા મગફળીની ખરીદી ગઇકાલે પૂર્ણ કરવામાં આવી છે, એ સાથે 20 ફેબ્રુઆરીથી 2018ની મગફળી વેંચવામાં આવશે તેવી જાહેરાત થઇ છે. જાહેરાતના પગલે મગફળીના ભાવ ઘટયા પછી સ્થિર થયા હતા. દાણાના નિકાસકારો અને વેપારીઓના કહેવા પ્રમાણે સરકાર વેંચવા આવે તો પણ મગફળીમાં મંદીની કોઇ શક્યતા નથી.
નાફેડે આ વર્ષે 4.95 લાખ ટન મગફળીની ખરીદી કરી છે. 2018નો 1.25 લાખ ટનનો અને 2017નો 500 ટનનો સ્ટોક નાફેડ પાસે હોવાની બજારની ધારણા છે. સરકારી પુરવઠો અંદાજે 6.25 લાખ ટન છે. ઉલ્લેખનીય છેકે કુલ સ્ટોક જેટલી મગફળી નાફેડે પાછલી સીઝનમાં ટેકાના ભાવથી ખરીદી હતી. આ વર્ષે ખરીદી તો ઘટી છે સાથે સાથે જૂનો સ્ટોક પણ નબળો છે.
બીજી તરફ વેપારી અંદાજ પ્રમાણે નવા પાકમાંથી આશરે 10-11 લાખ ટન મગફળી આવવાની બાકી છે. ઉનાળુ પાક આશરે 3 લાખ ટન આવી શકે છે તેમ માનવામાં આવે છે. આમ હવે 19-20 લાખ ટન પુરવઠો આવશે. એ સામે આઠ માસ પસાર કરવાના છે ત્યારે મગફળીના ભાવમાં મંદી મુશ્કેલ છે.
વેપારી વર્ગનું કહેવું છે કે અગાઉ 32 લાખ ટનના પાકનો અંદાજ મૂકાતો હતો. પાકમાં બગાડ અને કેટલાક સેન્ટરોમાં ઉતારા ઘટવાને લીધે પાક 28 લાખ ટન આસપાસ આવશે તેવું હવે મોટાંભાગના માનવા લાગ્યા છે. નિકાસ માટે મગફળી સપ્લાય કરનારા એક વેપારી કહે છે, સીંગદાણા કે મગફળીમાં મંદી મુશ્કેલ છે કારણકે માગ સતત રહેવાની છે. ખેડૂતો પણ નીચાં ભાવમાં વેંચશે નહીં. ચીનની માગ અત્યારે કોરોના વાઇરસને લીધે ઠપ છે પરંતુ સ્થિતિ થાળે પડી જાય અને માગ એકાએક ખૂલે તો સીંગદાણામાં તેજી પણ આવી શકે છે.
મગફળીનો ભાવ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ઝીણીમાં રૂ.875-1080 અને જાડીમાં રૂ. 825-990 હતો. પ્રવર્તમાન ભાવ ટેકા કરતા નીચાં છે એટલે રૂ. 10-20થી વધુ મંદી મુશ્કેલ છે. દાણામાં પણ ટને રૂ. 2-3 હજારની વધઘટ રહેશે તેમ અભ્યાસુઓ માને છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer