સીસીઆઇ એ સૌરાષ્ટ્રમાં 75 હજાર ગાંસડી રૂ ખરીદ્યું

સીસીઆઇ એ સૌરાષ્ટ્રમાં 75 હજાર ગાંસડી રૂ ખરીદ્યું
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.23: ગુજરાતમાં રૂની સરકારી ખરીદી સાવ ધીમી પડી ગઇ છે. સૌરાષ્ટ્રમાં ખરીદીની પ્રક્રિયા હવે કાચબા ગતિએ ચાલી રહી છે. કપાસમાં ત્રીજી વીણીનો માલ આવી રહ્યો છે એટલે ગુણવત્તા પ્રભાવિત થઇ છે. બીજી તરફ ખેડૂતો પણ હવે ખૂલ્લા બજારમાં ઉંચા ભાવ અને સારો માલ સંગ્રહ કરી લેવાની વૃત્તિ ધરાવી રહ્યા છે.
સીસીઆઇ રાજકોટ કચેરી પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુરુવાર સુધીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 75 હજાર ગાંસડીની ખરીદી કરવામાં આવી છે. મહિનાના આરંભે સંસ્થાની ખરીદી 60 હજાર ગાંસડીની હતી. 20 દિવસમાં ફક્ત 15 હજાર ગાંસડી મળી છે. રોજ ફક્ત 800 ગાંસડી જેટલો માલ ટેકાના ભાવથી પ્રાપ્ત થઇ રહ્યો છે.
જોકે સમગ્ર ગુજરાતની ખરીદીનો આંકડો અત્યાર સુધીમાં અઢી લાખ ગાંસડી સુધી પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં રૂની આવક સારી છે અને ખેડૂતો સંસ્થાને વેંચી રહ્યા હોવાથી સીસીઆઇની ખરીદીનો આંકડો પાછલા પાંચ વર્ષનો રેકર્ડ તોડે તેવી ધારણા છે. નજીકના ભૂતકાળમાં સંસ્થાની પ્રાપ્તિ આ સ્તરે પહોંચી નથી.
સીસીઆઇ રાજકોટના એક અધિકારીનું કહેવું છેકે, કપાસનો ભાવ રૂ. 950-1150 સુધી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં બોલાય છે. ખેડૂતોને સહેલાઇથી રૂ. 1050-1100નો ભાવ મળી રહ્યો છે એટલે હવે સીસીઆઇમાં વેચવાનો રસ ઓછો છે. સંસ્થા ચૂકવે છે તે ભાવ ખેડૂતોને ખૂલ્લા બજારમાં વેચવાથી પ્રાપ્ત થાય છે એ કારણે ખેડૂતો કેન્દ્ર ઉપર આવતા નથી.
તેમણે ઉમેર્યું હતુ કે, કપાસના ભાવ તેજ છે અને હવે ગુણવત્તા નબળી આવી રહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ તથા મોરબી પંથકના ગામડાંઓમાંથી આવી રહેલો કપાસ ગુલાબી ઇયળોથી અસરગ્રસ્ત છે. કપાસમાં પૂરતા માઇક અને લંબાણ પણ મળતા નથી એટલે હવે ક્વોલિટી ટેસ્ટમાં મંજૂર થતા નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer