ટમેટા સસ્તા, લીલા શાકભાજી મોંઘા

ટમેટા સસ્તા, લીલા શાકભાજી મોંઘા

ટમેટા  25ના કિલો, બીજા શાકભાજી $ 75-80ના ભાવે વેચાય છે
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.23: કડકડતી ઠંડી વચ્ચે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉંધિયાના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે ત્યારે સ્વાદ રસીયાઓને અને ગૃહિણીઓને મોંઘાદાટ શાકભાજી ના છૂટકે ખરીદવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. શહેરની શેરી-ગલીઓમાં વેચાતા શાકભાજીમાં ટમેટા સસ્તામાં મળે છે પણ  બીજા બધા શાકભાજી મોંધા હોવાની મહિલાવર્ગમાં બુમરાણ ઉઠી છે.  સારા વરસાદને લીધે સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતોએ ટમેટાનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ઉત્પાદન પણ ખુબ સારૂ થયુ હોવાથી ખેડૂતો ટમેટાના વેચાણ માટે ઉમટી રહયાં છે. ચારેબાજુથી આવકો વધતા હવે સૌથી સસ્તા ટમેટા વેચાતા હોવાની યાર્ડમાં ચર્ચાઓ ચાલે છે. 
ટમેટાના ઘટેલા ભાવ બાબતે રાજકોટ યાર્ડમાં જથ્થાબંધ ટમેટા રૂ. 6થી12માં વેચાયા હતાં. જોકે શહેરીજનો સુધી પહોંચતા તે ટમેટા રૂ.20-25માં વેચાઈ રહયાં છે. પખવાડિયા પહેલા ટમેટાના કિલોએ રૂ.30-40 બોલાતા હતાં. શાકભાજી વિભાગના ઈન્સ્પેકટર કે.વી.ચાવડાએ જણાવ્યું હતું કે, આ વરસે વ્યાપક વરસાદ અને ખેડૂતોના સીમતળ પાણીવાળા બનતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ટમેટાનું વાવેતર કર્યુ છે.
રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર અને છેક ઈડર તરફથી વેચાવા આવતાં હોવાથી આવકો વધી છે. જેની સીધી અસર ભાવ પર પડતાં સસ્તા થયા છે. તેમણે વધુમાં કહયું કે હાલના દિવસોમાં રોજ 3000-3500 કિલો ટમેટાની આવક થઈ રહી છે. એપ્રિલ સુધી સ્થાનિક, સૌરાષ્ટ્ર, ગુજરાતના ખેડૂતોની આવકો ચાલુ રહેશે. મે-જૂનથી મહારાષ્ટ્ર, બેંગ્લોર બાજુએથી પણ આવશે. હાલના દિવસોમાં આવકો વધતાં વેપારીઓ રોજેરોજ નિકાલમાં માનતા હોવાથી સસ્તા ભાવે પણ વેચવા માંડયા છે. ત્રણ-ચાર દિવસમાં ટમેટા બગડવાનો ડર વેપારીઓને સતાવતો હોવાથી જોખમ લેવા માગતા નથી હોતા.
ટમેટાં સસ્તાં થયા છે પણ બીજા શાકભાજી તો હજુ મોંઘા છે. સૌથી મોંઘા ગુવાર, વટાણા, ફલાવર પ્રતિ કિલોના રૂ.75-80ના ભાવે વેચાય છે. વાલોળ, રીંગણા અને ડુંગળીના રૂ.60 બોલાય છે. આ સિવાય લીલુ લસણ રૂ.48-60, તુરીયા-રૂ.38-48, ગુવાર-રૂ.45-60, ભીંડો-રૂ.30-40માં જથ્થાબંધ વેચાય છે. આ તમામ શાકભાજી શહેરીજનો સુધી પહોંચાડવા ધંધાર્થીઆને  ટ્રાન્સપોર્ટેશન અને મજુરી ખર્ચ ચડાવવો પડતો હોવાથી વધુ મોંઘુ બને છે. રિટેઇલમાં જથ્થાબંધ કરતા કિલોએ રૂ. 15-20 મોંઘું થઇ જાય છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer